દેશમાં 4 લેબર કોડ લાગુ કરવાની યોજના હવે વાસ્તવિકતામાં ફેરવાવાની છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે કહ્યું છે કે 90 ટકા રાજયોએ લેબર કોડના નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો છે અને તે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. તેના અમલીકરણ પછી, પગાર, ઓફિસના સમયથી લઈને પીએફ-નિવૃત્તિ સુધીના નિયમોમાં ફેરફાર થવાની સંભાવના છે. આ નવો કાયદો શ્રમ ક્ષેત્રમાં કામ કરવાની બદલાતી રીતો અને લઘુત્તમ વેતનની જરૂરિયાતને સમાવવાનો છે. આમાં, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ સહિત સ્વરોજગાર લોકો અને પરપ્રાંતિય મજૂરોની પણ કાળજી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પહેલા જ લેબર કોડના ચાર કોડ માટે ડ્રાફટ નિયમો જારી કરી ચૂકી છે અને હવે રાજયોએ તેમના તરફથી નિયમો તૈયાર કરવાના છે.
કેન્દ્ર સરકારના ડ્રાફ્ટમાં મહત્તમ કામકાજના કલાકો વધારીને 12 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. તે દર અઠવાડિયે 4-3 રેશિયોમાં વિભાજિત થાય છે. એટલે કે 4 દિવસ ઓફિસ, 3 દિવસ સપ્તાહની રજા. આ સંદર્ભમાં કર્મચારીઓએ 4 દિવસમાં 48 કલાક એટલે કે દરરોજ 12 કલાક કામ કરવું પડશે. દર પાંચ કલાક પછી કર્મચારીઓને અડધો કલાકનો આરામ આપવાનો પણ પ્રસ્તાવ છે.
જો કોઈ વ્યક્તિને અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે, તો તે ઓવરટાઇમ હશે, જે કંપની દ્વારા ચૂકવવામાં આવશે. મૂળ પગાર કુલ પગારના 50% કે તેથી વધુ હોવો જોઈએ. આનાથી મોટાભાગના કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર થશે. બેઝિક સેલેરીમાં વધારા સાથે તમારો પીએફ પણ વધશે. પીએફમાં યોગદાનમાં વધારો નિવૃત્તિ પછી પેન્શનની રકમમાં વધારો કરશે. મતલબ કે ભવિષ્યને સુરક્ષિત કરવા પર ભાર મૂકવામાં આવે છે. આ સિવાય ઈન્સેન્ટિવ, મેડિકલ ઈન્સ્યોરન્સ અને અન્ય સુવિધાઓ માટે જોગવાઈઓ કરવામાં આવી છે.