હાલ રાજ્યના મહાનગરપાલિકા, નગરપાલિકાના લાયસન્સ ધારક માન્ય એન્જિનિયરો માટે કાઉન્સિલના સભ્ય થવાનું ફરજિયાત નથી પરંતુ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજિયાત મેળવવાની વાતો વહેતી મુકવામાં આવી હોય. ફેડરેશન ઓફ આર્કિટેક્સ એન્ડ એન્જિનિયર્સ-જામનગર દ્વારા કાઉન્સિલનું રજીસ્ટે્રશન ફરજિયાત ન બનાવવા પ્રમુખ હાર્દિક દવે અને સેક્રેટરી આશિષ આશા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના વ્યવસાયી બાંધકામ ઇજનેરોએ રાજ્યમાં એન્જિનિયર/આર્કિટેકટ તરીકેનો વ્યવસાય કરવા માટે પ્રવર્તમાન ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ 1976ની જોગવાઇઓ અનુસાર મહાનગરપાલિકા, સત્તા મંડળ, નગરપાલિકામાંથી એન્જીનીયર તરીકેનું લાયસન્સ મેળવવાનું રહે છે અને આવુ લાયસન્સ મેળવવા માટે સરકાર માન્ય કોલેજ, યુનિવર્સિટીમાંથી માન્ય સિવિલ એન્જીનીયરીંગનો માસ્ટર/ડીગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કરી ફાઇનલ પરીક્ષા પાસ કર્યા બાદ શૈક્ષણિક લાયકાત અને નિયત અનુભવના દસ્તાવેજો સાથે લોકલ ઓથોરીટીમાં અરજી કરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા કરવાની રહે છે.
પ્રસ્તુત વ્યવસ્થાને સમાંતર માર્ચ-2006માં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વ્યવસાયી બાંધકામ ઇજનેર અધિનિયમ-2006ના સેકશન-3 હેઠળ રાજ્યના વ્યવસાયી સિવિલ એન્જીનીયરો માટે ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રર્સન સિવિલ એન્જીનીયર્સની રચના કરવામાં આવેલ છે અને એકટ અંતર્ગત કાઉન્સીલના મેમ્બર તરીકે રજીસ્ટ્રેશન મેળવવા માટે માસ્ટર/ડીગ્રી/ડીપ્લોમાંની શૈક્ષણિક લાયકાત અને નિયત અનુભવ ધરાવનાર સિવિલ એન્જીનીયરે ફરીથી કાઉન્સીલની પરીક્ષા પાસ કરવાની રહે છે અને ત્યારબાદ કાઉન્સીલ દ્વારા નક્કી કરવામાં આવેલ રજીસ્ટ્રેશન ફી ભરીને રજીસ્ટે્રશન મેળવી શકાય છે તથા આ રજીસ્ટ્રેશન ફરીથી ઉક્ત પ્રક્રિયા પસાર કરી વખતો વખત રીન્યુ કરાવવાનું રહે છે.
2006થી 2022ના 16 વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યભરના હજારો સિવિલ એન્જીનીયરો પૈકી માત્ર 56 સિવિલ એન્જીનીયરોએ આવુ રજીસ્ટ્રેશન મેળવેલ છે.
હાલ રાજ્યના મહાનગરપાલિકા, સત્તા મંડળ, નગરપાલિકાના લાયસન્સ ધારક માન્ય એન્જીનીયરો માટે કાઉન્સીલના મેમ્બર થવાનું ફરજીયાત નથી પરંતુ છેલ્લા કેટલાંક સમયથી કાઉન્સીલ દ્વારા રાજ્યના વ્યવસાયી સિવિલ એન્જીનીયરોએ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ફરજીયાત મેળવવાનું રહેશે એવી વાત વહેતી મુકવામાં આવી છે.
આથી લોકલ ઓથોરીટીના લાયસન્સ ધારક એન્જીનીયર્સ માટે કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં ન આવે તથા કાઉન્સીલ દ્વારા રજીસ્ટ્રેશન માટે માન્ય કોલેજ/યુનિ.ની પરીક્ષા પાસ કરવા છતાં ફરીથી પરીક્ષા લેવાની પ્રક્રિયા રદ કરવામાં આવે તેમજ રજીસ્ટે્રશન ફી વ્યાજબી રાખવામાં આવે તેવી માગણી કરાઇ છે.