જીએસટી રીફંડ ચુકવવામાં મોડુ થું તો હવે વિભાગે કરદાતાને છ ટકા વ્યાજ સહિત રીફંડ ચુકવવા માટેનો આદેશ સુપ્રિમ કોર્ટે કર્યો છે. જીએસટીનો કાયદો બનાવવામાં આવ્યો ત્યારે કરદાતા દ્વારા રીફંડ માટેની અરજી કરવામાં આવ્યાના 60 દિવસમાં રીફંડ ચુકવી દેવાનો નિયમ મનાવવામાં આવ્યો હોવા છતાં જીએસટીના અધિકારીઓ નિયમનુ પાલન કરતા નહોતા. જેથી તે અંગે હાઇકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. હાઇકોર્ટે કરદાતાને રીફંડ ચુકવવામાં મોડુ થાય તો 9 ટકા વ્યાજ ચુકવવા માટેનો આદેશ કર્યો હતો. તેમજ મોડુ કરનાર અધિકારી સામે પગલાં ભરવાનુ પણ જણાવ્યુ હતુ.
આ ચુકાદાને જીએસટીએ સુપ્રિમમાં પડકાર્યો હતો. તેમાં સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટે આપેલા ચુકાદામાં 9 ટકાના બદલે 6 ટકા વ્યાજ ચુક્વવાનો આદેશ કર્યો છે. આ આદેશને પગલે કરદાતાઓને રીફંડ ચુકવવામાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતી આડોડાઇ બંધ થવાની શકયતા રહેલી હોવાનુ જાણકારો કહી રહ્યા છે. કારણ કે કેટલાય કિસ્સાઓમાં રીફંડ લેવા માટેની અરજી કરવામાં આવ્યાના 90 દિવસ કરતા વધુ સમય વિતી જતા છતાં તે અરજીનો નિકાલ કરવામાં આવતો નહોતો.
જીએસટીનો કાયદો બનાવવામાં આવ્યો ત્યારે રીફંડ ચુકવવાથી માંડીને તમામ બાબતોના નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ તેનો અમલ યોગ્ય રીતે કરવામાં આવતો નહીં હોવાના લીધે કરદાતાએ પરેશાની વેઠવી પડતી હોય છે. જયારે રીફંડ ચુકવવા માટે વ્યાજ સહિતની ચુકવણી કરવાનો આદેશ સુપ્રિમ કોર્ટે કરદાતાઓને સૌથી વધુ રાહત થવાની છે.