ભરૂચ તાલુકામાં રહેતો એક યુવક ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરેથી લાપતા થયો હતો.જે અંગે તેના પરીવારજનો દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તે દરમીયાન દશાન ગામમાંથી ગુમ થયેલા યુવકનો ગઈકાલના રોજ દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ભરૂચના દશાન ગામના નદી કિનારે એક યુવકનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની સામાજિક કાર્યકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. 21 વર્ષીય યુવકના મૃતદેહ પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં લખ્યું હતું, “ મમ્મી પપ્પા હું મરવા જવું છુ, હું પ્યારમાં હારી ગયો એટલે ઝીંદગી હારી જવા માગું છુ. મને માફ કરી દેજો મમ્મી પપ્પા.” પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકનો મૃતદેહ મળતા પોલીસે તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. અને પ્રેમમાં નિષ્ફળ જતા તેણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. હાલ આ ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.