છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરના હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા 41માં વર્ષની રામસવારીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અંગે ગઇકાલે અંતિમ બેઠક તેમજ ભક્તિફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે ચાર દસકાથી રામનવમીના પાવનકારી પર્વ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષ કોરોનાકાળને કારણે પ્રતિકાત્મક શોભાયાત્રા યોજાયા બાદ આ વર્ષે 41માં વર્ષની રામસવારીની ભવ્ય શોભાયાત્રા આવતીકાલે યોજાનાર છે. શોભાયાત્રાના આયોજનને આખરી ઓપ આપવા ગઇકાલે શ્રી રામદૂત હનુમાનજી મંદિરે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બેઠક બાદ ભક્તિ ફેરી યોજાઇ હતી.
ગઇકાલે યોજાયેલી બેઠકમાં રામસવારીના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તેમજ આ તકે જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
બેઠક પૂર્ણ થયા બાદ શ્રીરામદૂત હનુમાનજી મંદિરેથી બાલા હનુમાનજી મંદિર સુધીની ભક્તિફેરી યોજાઇ હતી. પંચેશ્વર ટાવર પાસે આવેલ શ્રી રામદૂત હનુમાનજી મંદિરેથી જયશ્રી રામના જયઘોષ સાથે ભક્તિફેરીનો પ્રારંભ થયો હતો. જે બાલા હનુમાન મંદિરે પહોંચી ત્યાં હનુમાનજીનું પૂજન-અર્ચન કરીને ફરીથી ભક્તિફેરી સ્વરુપે શ્રીરામદૂત હનુમાનજી મંદિરે પહોંચી હતી. જેમાં હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ જુદી જુદી ધાર્મિક અને સામાજિક સેવાકીય સંસ્થા, જ્ઞાતિ મંડળોના આગેવાનો તેમજ રામભક્તો ભક્તિફેરીમાં મોટી સંખ્યામાં જોડાયા હતાં.
આ તકે હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ પૂ. ચતુર્ભુજદાસજી મહારાજ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, ન.પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઇ બારડ, કોર્પોરેટરો સુભાષભાઇ જોષી, નિલેશભાઇ કગથરા, કેશુભાઇ માડમ સહિતના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થા, જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ) ઉપસ્થિત રહ્યાં હતાં.