જુદી જુદી યોજનાઓ અન્વયે મેળવવાના થતાં પ્રમાણપત્રો/આવકના દાખલામાં હાલમાં લાંબી લાઇનો હોય, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી શહેરીજનોને થતી હાલાકી દૂર કરવા વોર્ડ નં. 2ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા કલેકટરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અન્વયે રજૂ કરવાના થતાં પ્રમાણપત્રો તેમજ વિદ્યાર્થીઓને આવકના દાખલા અન્વયે મહાનગર સેવા સદન ખાતે ઘણી લાંબી લાઇનો થાય છે અને લોકોને ખૂબ જ પરેશાની વેઠવી પડે છે. ઉનાળાની સિઝનમાં ત્રણ-ચાર કલાક લાઇનમાં ઉભા રહેવા છતાં સમયસર દાખલાઓ મળતા નથી. આથી લાંબી લાઇનો ખૂબ જ થતી હોય, સેવા સદન ખાતે વધુ સ્ટાફની ફાળવણી કરવાની જરુરીયાત રહે છે.
આ ઉપરાંત આવી કામગીરી આઉટ સોર્સિંગ મારફત કરાવવામાં આવતી હોય, જે તે આઉટ સોર્સિંગનો સ્ટાફ અરજદારો સાથે તુમાખીભર્યું વર્તન કરે છે. તેમજ આવી કામગીરીઓ માટે સેવા સદન ખાતે વચેટીયાઓ/એજન્ટોની અવર-જવર વધી છે અને તેઓના દ્વારા કોર્પોરેટરના દાખલાથી માંડી આવકના દાખલા વિધવા સહાય ફોર્મ, વૃધ્ધ સહાય અંગેની કામગીરી માટે એજન્ટ પ્રથા શરુ થઇ ગઇ હોય તેવું જણાય છે અને તેઓ મારફત તાત્કાલિક કામ થઇ જાય છે. તેવી ફરિયાદો પણ રજૂ થાય છે. સરકારી કચેરીઓમાં કામ વિના આવા એજન્ટોની અવર-જવર ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામુ ફકત કાગળ ઉપર હોય તેવું જણાય છે.
આથી, શહેરીજનો બિનજરુરી રીતે હેરાન-પરેશાન ન થાય કે સમયસર જરુરી દાખલાઓ મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને મહાનગર સેવા સદન ખાતે વચેટીયાઓ/એજન્ટો મારફત જે કામગીરી થાય છે તે પણ તાત્કાલિક અસરથી બંધ ઠરાવવા રજૂઆત કરાઇ છે.


