જામનગ શહેરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતાં મહિલાએ તેની તબિયત સારી ન હોવાથી પલંગ પરથી પડી જતાં બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામજોધપુરમાં રહેતા વૃધ્ધને છાતીમાં દુ:ખાવો થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગ શહેરના રાજપાર્ક પાસે ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાછળ આવેલી અક્ષરધામ સોસાયટીમાં રેહતાં સંગીતાબેન મનસુખભાઈ વાઘેલા (ઉ.વ.34) નામની યુવતીની તબિયત સારી ન હોવાથી ઉલ્ટી થતા તે રાત્રિના સમયે પલંગ પરથી પડી જતા બેશુદ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ તેણીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મનસુખભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતાં રમણિકભાઈ પટેલ (ઉ.વ.56) નામના પ્રૌઢને રવિવારે સાંજના સમયે તેના ઘરે અચાનક છાતીમાં દુ:ખાવો થતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિઠ્ઠલભાઈ હરસોડા દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામજોધપુર ગામમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતાં જગદીશભાઈ ડાયાભાઈ પુરોહિત (ઉ.વ.60) નામના વૃદ્ધને બ્લડપ્રેશરની બીમારી હતી તે દરમિયાન સોમવારે બપોરના સમયે તેના ઘરે અચાનક છાતીમાં ગભરામણ થવાથી હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.