લિંબુ અને મરચાના આસમાને પહોંચેલા ભાવે ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી કરી નાંખી છે. છૂટક બજારમાં લિંબુ 200થી 220 રૂપિયે કિલો અને મરચા 120 રૂપિયે કિલો વેચાઇ રહ્યા હોવાથી ભાવ સાંભળીને જ લોકો ભડકી રહ્યા છે. વેપારીઓના મતે લિંબુમાં છેલ્લા 50 વર્ષમાં ન જોવા મળ્યો હોય તેવો તોતિંગ ભાવ હાલમાં જોવા મળી રહ્યો છે, જ્યારે મરચાના વેપારીઓ જણાવી રહ્યા છેકે છેલ્લા 10 વર્ષમાં તેઓએ લીલા મરચાના આટલા બધા વધેલા ભાવ જોયો નથી. આજથી બે-ત્રણ મહિના પહેલા હોલસેલમાં 5 થી 6 રૂપિયો કિલોના ભાવે મળતા લીલા મરચા હાલમાં ગુણવત્તા મુજબ 60 થી 90 રૂપિયાના ભાવે મળી રહ્યા છે. માલની અતિભારે અછત હોવાથી આ ભાવ બોલાઇ રહ્યો છે.
વિવિધ વિસ્તારોમાં મરચા માંગ મુજબ 120 થી માંડીને 150 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. છૂટક બજારમાં બે મહિના પહેલા 7 થી 10 રૂપિયે મળતા મરચાનો ભાવ હાલમાં 120ને આંબી ગયો છે ! સામાન્ય રીતે વર્ષમાં બે વખત કિલોના ભાવ 40 થી 50 રૂપિયા થતા હોય છે પરંતુ આ વર્ષે મહત્તમ ભાવ વધારો દેખાયો છે. હાલમાં ગુજરાતમાં વેરાવળ-સોમનાથથી માલ આવી રહ્યો છે. આણંદમાંથી માલની આવક બંધ થઇ છે. આગામી 20 દિવસમાં પંજાબ અને રાજસ્થાનથી માલની આવક શરૂ થશે ત્યારબાદ ભાવ કાબૂમાં આવશે. ભાવ વધારા માટે વેપારીઓ કુદરતી પરીબળોને જવાબદાર માની રહ્યા છે. લિંબુની આવક ફક્ત આંધ્રપ્રદેશ રાજ્યમાંથી થાય છે. કર્ણાટક, મહારાષ્ટ્રની આવકો બંધ થઇ ગઇ છે. સ્થાનિક સ્તરે ભાવનગરથી પણ આવકો સદંતર બંધ થઇ ગઇ હોવાથી ભારે અછત લિંબુના ભાવ વધ્યા છે.
ગુજરાતમાં થોડા મહિના પહેલા આવેલા વાવાઝોડામાં ભાવનગરમાં લિંબુના ઝાડ જળમુળમાંથી ઉખડી ગયા હતા જેના કારણે આ વર્ષે ભાવનગરથી લિંબુનો માલ જોઇએ તેટલી માત્રામાં આવ્યો નથી. રમઝાન અને ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ તેમજ ઉનાળામાં ગરમીમાં લિંબુ પાણીની માંગ હોવાથી લિંબુની માગ વધારે છે. વિવિધ ભાગોમાં છૂટક બજારમાં લિંબુના ભાવ કિલોએ 220 થી 250 સુધી પહોંચી ગયા છે. આગામી મે માસની 15 તારીખ પછી લિંબુના નવી આવકો શરૂ થશે ત્યારે ભાવમાં અંકુશ આવશે તેવી ધારણા છે.