જામનગર કલેકટર ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અતિ મહત્વની ભૂમિકા ભજવતો વિભાગ છે. આ વિભાગમાં હવામાનને લગતી તમામ આગાહીઓ, ચેતવણીઓ પ્રજા સુધી પહોંચાડવાની કામગીરી કરતું હોય છે. આ અતિ મહત્વના એવા કન્ટ્રોલ રૂમનો લેન્ડલાઈન ફોન બે દિવસથી બંધ છે છતાં ચાલુ કરવામાં આવ્યો નથી.
જામનગર શહેર અને જિલ્લામાં બારે માસ 365 દિવસ પલ્ટાતા હવામાન અંગેની આગાહીઓ તથા વાવાઝોડુ ચોમાસામાં વરસાદની આગાહી જેવા મહત્વની ઘટનાઓ અને દુઘર્ટનાઓ સંદર્ભેની ચેતવણી કલેકટર ડિઝાસ્ટર કન્ટ્રોલ દ્વારા આપવામાં આવતી હોય છે. શહેર અને જિલ્લા માટે મહત્વનો કહી શકાય તેવો આ કન્ટ્રોલ રૂમનો 0288-2553404 લેન્ડલાઈન નંબર છેલ્લાં 48 કલાકથી બંધ છે. મહત્વના એવા આ કન્ટ્રોલ રૂમમાં ફોન બે દિવસથી બંધ હોવા છતાં ટેલિફોન વિભાગ દ્વારા કે કલેકટર વિભાગ દ્વારા આ મામલે કોઇ ગંભીરતા લેવામાં આવી નથી. આજે 48 કલાક થયા છતાં હજુ કલેકટર કન્ટ્રોલ રૂમનો ફોન બંધ જ છે અને કન્ટ્રોલ રૂમના અધિકારી સાથે ‘ખબર ગુજરાત’ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરતા ‘લેન્ડલાઈન ફોનનો વાયર સુપર માર્કેટ નજીક કપાઈ ગયો હોવાથી ફોન બંધ છે’ તેવો જવાબ આપવામાં આવ્યો હતો.