- Advertisement -
દ્વારકા ખાતે એક પરિવારના સાથે કામનો કરાર કરીને રહેતી રાજકોટની મહિલાના પરિવારજનોએ આવી અને બબાલ સર્જતા મહિલાઓ સહિત 11 સામે એટ્રોસિટી અને રાયોટીંગ સહિતની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દ્વારકામાં ચરકલા રોડ પર આવેલા આવળપરા વિસ્તારમાં રહેતા ચંપાબેન રાણાભાઈ નારણભાઈ રાઠોડ નામના 43 વર્ષના અનુસૂચિત જાતિના મહિલાના પુત્ર જેસલે ગત તારીખ 3 માર્ચના રોજ રાજકોટ ખાતે રહેતી સીમાબેન શેખ નામની યુવતી સાથે વકીલ મારફતે માલિક-નોકરના લેખિતમાં કરાર કરી, તેના બદલામાં ચોક્કસ રકમનું વળતર આપવાનું નક્કી કરી અને ચંપાબેનના ઘરે ઘરનું કામ કરવા સાથે રહેતા હતા.
સીમાબેન ફરિયાદી ચંપાબેન રાઠોડના ઘરે રહેતા હોય, તે સીમાબેનના રાજકોટ ખાતે રહેતા પતિ તથા માતા-પિતાને પસંદ ન હોવાથી ગત તારીખ 17 માર્ચના રોજ રાત્રિના આશરે બે વાગ્યાના સમયે જી.જે. 03 ઝેડ 9394 નંબરની એક તુફાન જીપમાં સીમાબેનના માતા-પિતા, પતિ વિગેરે સીમાને લેવા આવ્યા હતા.
પરિવારજનોએ સીમાબેનને સાથે આવવાનું કહેતા તેણીએ સાથે આવવાની ના કહી દીધી હતી. આથી ઉશ્કેરાયેલા ઈસ્માઈલ રસુલ શેખ, જાફર અકબર શેખ, સુલતાન કાદર સૈયદ, જમાલ કાદર સૈયદ, હાજરાબેન રફીક શેખ, સાયરાબેન જાફર શેખ, ટીપુ સુલતાન રફીક શેખ તથા રફીક કાસમ શેખ નામના આઠ વ્યક્તિઓ સાથે આવેલા અન્ય બે થી ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ ફરિયાદી ચંપાબેનના ઘરે ગેરકાયદેસર મંડળી રચી, બિભત્સ ગાળા-ગાળી શરૂ કરી દીધી હતી.
આટલું જ નહીં, પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ઘરમાં ઘૂસી આવેલા શખ્સોએ આ પરિવાર ઉપર હુમલો કરી, મરચાની ભૂકી ઉડાવી હતી. આ ઉપરાંત આરોપી શખ્સોએ ફરિયાદીના પરિવારજનોને બેફામ માર મારી, ઘરના દરવાજા તોડી નુકસાન પહોંચાડ્યું હતું. ઉશ્કેરાયેલા શખ્સોએ ચંપાબેનના પરિવારજનોને ગાળો આપી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેઓને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ બબાલ સર્જાતા નજીકમાં રહેલા જેસલભાઈ રાઠોડના મિત્ર ગભાભા રાજાભા તેઓને છોડાવવા આવતા સીમાના ભાઈ એવા આરોપી પરિવારના ટીપુ સુલતાન રફીક શેખે તેની પાસે રહેલી છરી ગભાભાને પગમાં તથા સાથળમાં ઝીંકી દીધી હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલા ગભાભાને બાર જેટલા ટાકા આવ્યા હતા.
આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસે ચંપાબેન રાણાભાઈ રાઠોડની ફરિયાદ પરથી 11 જેટલા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 326, 323, 452, 427, 143, 147, 148, 149, 504, 506 (2) તથા એટ્રોસિટી એક્ટની કલમ અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડાએ હાથ ધરી છે.
- Advertisement -