યુક્રેન સાથેના યુધ્ધને કારણે અમેરિકા અને યુરોપના દેશોએ રશિયા પર લાદેલાં આર્થિક પ્રતિબંધોનો ફાયદો ભારતને થયો છે. આર્થિક કટોકટીમાં સપડાયેલાં રશિયાએ ભારતને ક્રૂડમાં જંગી ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. જે ભારત સરકારે સ્વીકારી લીધી છે. ભારતની જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપની આઇઓસી રશિયાના ઓઇલ ટ્રેડર વિટોલ પાસેથી 75 ડોલર પ્રતિ બેરલના ભાવે ક્રુડ ખરીદશે. હાલ વૈશ્ર્વિક બજારમાં ક્રૂડનો ભાવ 101 ડોલર ચાલી રહ્યો છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા હાલ રશિયા પર ડોલરમાં લેણદેણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે રશિયા આ તેલની કિંમત ભારતીય રૂપિયામાં સ્વીકારવા પણ તૈયાર થઇ ગયું છે. આમ ભારતને ક્રૂડની ખરીદીમાં 26 ડોલરનો ફાયદો થશે. જે યુધ્ધના માહોલમાં ભારતીય અર્થતંત્રને સ્થિરતાં આપશે. અગાઉ ફેબુ્રઆરીમાં આઇઓસીએ જણાવ્યું હતું કે તે ફિક્સિંગ વેસલ્સ અને વીમા અંગેની કોઈપણ જટિલતાઓ ટાળવા ડિલિવરી બેસિસે ઓઇલની ખરીદી કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આઇઓસીને ઓઇલના કાર્ગો માટે ચૂકવણી કરવામાં કોઈ વાંધો આવે તેમ નથી. તે કોમોડિટી તરીકે પ્રતિબિંધત નથી અને પ્રતિબિંધત કંપની પાસેથી ખરીદાયું નથી. આઇઓસીએ આ ઉપરાંત અબુધાબી સ્થિત મુરબન ક્રૂડ પાસેથી વીસ લાખ બેરલ ઓઇલની ખરીદી કરી છે અને નાઇજીરિયાની એપ્કો અને ફોર્કાડોસ પાસેથી પણ દસ-દસ લાખ બેરલની ખરીદી કરી છે. રશિયા દ્વારા પશ્ર્ચિમે પ્રતિબંધો લાદતા ઘણી કંપનીઓ અને દેશોએ તેના ઓઇલના દરવાજા બંધ કરી દીધા છે. તેના લીધે તેને અત્યંત ડિસ્કાઉન્ટે તેનું ક્રૂડ વેચવાની ફરજ પડી રહી છે. વિટોલે ભારતને 20થી 25 ડોલર ડિસ્કાઉન્ટે એટલે કે 75 ડોલરની આસપાસના ભાવે ક્રૂડ વેચ્યુ હોવાનું મનાય છે. આમ આ ભાવ ક્રૂડના 96 ડોલરના સરેરાશ ભાવની તુલનાએ ઘણો ડિસ્કાઉન્ટે કહી શકાય. મંગળવારે ક્રૂડ પણ લગભગ સાત ટકા જેટલું તૂટીને 96 ડોલર થઈ ગયું હતું.