રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં હાલાર સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતાં. જેને પરત લાવવા ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. યુક્રેનમાં કલ્યાણપુર તાલુકાના ગોરાણાનો યુવક ફસાયો હતો અને યુક્રેનથી તેણે વિડીયો બનાવી સરકાર પાસે મદદ માગી હતી. ત્યારબાદ ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલ નાગરિકોને પરત લાવવા સરાહનિય કામગીરી કરી હોય, આ યુવક પોતાના વતન પહોંચતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
દેવભુમી દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકા ના ગોરાણા ગામનો વતની ભરત મુરુ ગોરાણિયા (ઉ.વ 22) અભ્યાસ વિઝા પર યુક્રેનના ખારકી શહેરમાં ખઇઇજના અભ્યાસ અર્થે ગયો હતો. પરંતુ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાતા ત્યાં મેટ્રોટ્રેનના બેઝમેન્ટમાં આશરો લીધો હતો. ત્યાં વિકટ પરિસ્થિતિનો ચિતાર બતાવવા તેમજ ત્યાંની ગંભીર પરિસ્થિતિ વર્ણવા સરકાર પાસેથી મદદ માંગતો વિડિઓ બેઝમેન્ટમાંથી બનાવી સરકાર પાસે મદદની ગુહાર લગાવી હતી. ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલ નાગરિકોને બહાર લાવવા સરાહનીય કામગીરી કરી હોય, જે અંતર્ગત ભરત પોતાના વતન ગોરણા પહોંચતા પરિવારજનો તેમજ ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઇ હતી.