- Advertisement -
મહાદેવના પવિત્ર પર્વ મહાશિવરાત્રિની આજરોજ ખંભાળિયા શહેર તથા સમગ્ર પંથકમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે આજે સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. દૂધ, પુષ્પ, બિલ્વપત્ર, તથા જળના અભિષેક વડે ભોળાનાથની ભક્તિ કરવા શિવભક્તો ઉમટી પડ્યા હતા. શહેરના તમામ નાના-મોટા શિવમંદિરોમાં શિવ ભક્તોએ ભગવાન શિવની આરાધના કરી, પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
અહીંના પ્રાચીન તથા પ્રખ્યાત શ્રી રામનાથ મહાદેવ તથા ખામનાથ મહાદેવ મંદિરોમાં ચાર પ્રહરની આરતી તથા ઘી ની મહાપૂજાના સુંદર દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવભક્તોએ લીધો હતો. આ ઉપરાંત અત્રે મહાદેવ વાળામાં આવેલા શ્રી વિદ્યા શંકર મહાદેવ, સુખનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, જલારામ મંદિર પરિસરમાં આવેલા રામેશ્વર વિગેરે શિવ મંદિરોમાં પણ આજે આખો દિવસ મોટી સંખ્યામાં લોકોએ ભગવાન ભોળાનાથની ભક્તિ કરી હતી.
ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાગી નીકળી
ખંભાળિયાના અતિ પ્રાચીન એવા શ્રી ખામનાથ મહાદેવની શોભાયાત્રા (વરણાગી) આજે સવારે નીકળી હતી. અત્રે વિજય ચોક ખાતેથી ખામનાથ મહાદેવની એક સદીથી વધુ જૂની પરંપરા મુજબની વરણાગી શહેરના જુદા જુદા માર્ગો પર નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ સાથે શિવભક્તો અને નગરજનો જોડાયા હતા.
- Advertisement -