ઉત્તરપ્રદેશ વિધાનસભાના પાંચમા તબક્કા માટે 27મી તારીખે 12 જિલ્લાઓની 61 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં સૌથી ચર્ચાસ્પદ અયોધ્યા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠા સમાન છે કેમ કે પક્ષ અહીં રામ મંદિરનો મુદ્દો ઉઠાવવાના પ્રયાસો કરી રહ્યું છે. જોકે તેની ટક્કર સમાજવાદી પાર્ટી સામે છે. બીજી તરફ મતદારો હવે માત્ર રામ મંદિરથી પ્રભાવિત થઇ જાય તેમ ન હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. તેથી પક્ષોએ વિકાસના કામો પર પણ ધ્યાન આપવું પડશે. અયોધ્યામાં આગામી તબક્કામાં જ મતદાન યોજાશે જેમાં કુલ 10 ઉમેદવારો ઝંપલાવી રહ્યા છે. અગાઉ એવા અહેવાલો હતા કે અયોધ્યામાં યોગી આદિત્યનાથ ચૂંટણી લડશે જોકે ભાજપે તેમને અયોધ્યાની જગ્યાએ ગોરખપુરથી ટિકિટ આપી છે.
જ્યારે અયોધ્યામાં વર્તમાન ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તાને ટિકિટ આપી છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ પૂર્વ મંત્રી તેજ નારાયણ ઉર્ફે પવન પાંડેને ટિકિટ આપી છે. ભાજપ અને સપા ઉપરાંત કોંગ્રેસ અને બસપા તેમજ આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારોને આ બેઠક પરથી ઉતાર્યા છે. અયોધ્યા બેઠક પર બધા પક્ષો વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી શકે છે. રામ મંદિરનો મુદ્દો જ હવે મતદારોને આકર્ષી શકે તેમ નથી તેથી પક્ષોએ વિકાસના મુદ્દા પણ ઉઠાવવા પડી રહ્યા છે. એવા અહેવાલો પણ છે કે ભાજપ હાલ રાષ્ટ્રીય સ્વયમં સેવકસંઘની પણ મદદ લઇ રહ્યું છે. લોકોને સરકારની કામગીરી અને રામ મંદિર મુદ્દે સમજાવવામાં આવી રહ્યા છે.