સરકારી નોકરી મેળવવા ગુજરાતી શિક્ષિત બેરોજગાર યુવાઓનુ સ્વપ્ન રહ્યુ છે. ગુજરાતમાં તલાટીની નોકરી મેળવવા જાણે શિક્ષિત બેરોજગારોનું ઘોડાપુર ઉમટયુ છે. તલાટની ખાલી પડેલી 3437 જગ્યાઓ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પરીક્ષા માટે તૈયારીઓ કરી છે ત્યારે તલાટીની નોકરી મેળવવા માટે અત્યાર સુધી 23.40 લાખ ફોર્મ ભરાયાં છે.
એવુ કહી શકાય કે, તલાટીની એક જગ્યા માટે 530 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામશે. આ પરથી અંદાજ મેળવી શકાય છે કે, ગુજરાતમાં બેકારીનું પ્રમાણ કેટલી પદે પહોંચ્યુ છે. ગુજરાત સેવા પસંદગી મેડળે તલાટીની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે.
ગ્રામ પંચાયત સેક્રેટરી કમ તલાટી કમ મંત્રીની ખાલી પડેલી 3437 જગ્યાઓ માટે ફોર્મ ભરવાની અંતિમ તા.15મી ફેબુ્રઆરી હતી પણ સર્વરમાં ટેકનીકલ ખામી સર્જાતાં બે દિવસની મુદત વધારાઇ હતી. ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી કુલ મળીને 23.40 લાખ ફોર્મ ભરાયાં હતાં. અત્યાર સુધી તલાટીની પરિક્ષામાં સૌથી વધુ ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યુ છે. કુલ 23.40 લાખ ફોર્મ પૈકી 18.21 લાખ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે જયારે 5.19 લાખ ફોર્મ ઉમેદવારોની દસ્તાવેજ અને અપુરતી વિગતો સહિત અન્ય ખામીને લીધે રદ કરાયાં છે. કુલ ઉમેદવારો પૈકી ત્રણ લાખ ઉમેદવારો જનરલ કેટેગરી છે. આ ઉમેદવારોને રૂા.100 લેખે ફોર્મ ફી ભરી છે જેના કારણે બોર્ડને રૂા.3 કરોડની આવક થઇ છે.
મહત્વનુ છેકે, ધો.12 શૈક્ષણિક લાયકાત ઉપરાંત વયમર્યાદામાં ય ત્રણ વર્ષનો વધારો કરાયો છે જેના કારણે અરજીની સંખ્યામાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છેકે, સર્વરમાં ખામી સર્જાતાં ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો જેના કારણે રાજ્ય પંચાયત વિભાગે પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કર્યો હતો.
આજેય શિક્ષિત બેરોજગારો માટે સરકારી નોકરી એક સપનુ રહ્યુ છે જેના કારણે હજારો-લાખો યુવા પરીક્ષાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ રહ્યા છે. આ કારણોસર તલાટીની પરીક્ષા હોય કે પછી કલાર્કની. લાખો ફોર્મ ભરાઇ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની અઢળક તકો રહેલી છે તેવી સુફિયાણી વાતો થઇ રહી છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફોર્મની સંખ્યા જ ગુજરાતમાં બેકારીનું વાસ્તવિક જ નહીં પણ બિહામણું ચિત્ર રજૂ કર્યુ છે.