જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામેથી ગઈકાલના રોજ પોલીસે રહેણાંક મકાને દરોડા દરમિયાન દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્રણ શખ્સોના કબ્જામાંથી પોલીસે વ્હીસ્કીની 24 બોટલો અને દારૂની 30 બોટલો મળી 54 બોટલો જપ્ત કરી કાર્યવાહી કરી હતી. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ માંથી પોલીસે બે દિવસ પૂર્વે બપોરના સમયે જાહેરમાંથી દારૂની 18 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. અને પૂછપરછમાં જે શખ્સે દારૂ સપ્લાય કર્યો હતો તેનું નામ સામે આવતા બન્ને વિરધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે પોલીસે દીપકઉર્ફે ડગો અમુભાઈ મકવાણા નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડતા વ્હીસ્કીની 24 બોટલ જેની કીંમત રૂ.12000 તથા દારૂની 30 બોટલ જેની કીંમત રૂ.15000 મળી કુલ રૂ.27000ની 54 બોટલો સાથે ત્રણ શખ્સો દીપક ઉર્ફે ડગો, લીલાધરભાઈ ઉર્ફે ઘોઘો કાનજીભાઈ દેગડા અને દિલીપ ઉર્ફે દિલો વાલાભાઈ દાફડાની અટકાયત કરી તમામ વિરુધ કાલાવડ ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નં.58 હિંગળાજ ચોક શેરી નં.4 પાસે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન હિરેન ઉર્ફે હીરો રમેશભાઈ ડોડીયા નામનો શખ્સ જાહેરમાં દારુની 18 બોટલો સાથે નીકળતા પોલીસે રૂ.7200ની કિંમતનો દારુનો જથ્થો ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં સાગર ઉર્ફે સેગુ હંસરાજભાઈ ભાનુશાળી નામના શખ્સે દારુનો જથ્થો પૂરો પાડ્યો હોવાનું સામે આવતા તેની તપાસ કરી સીટી એ ડીવીઝન પોલીસે બન્ને વિરુધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.