એસીબી જામનગર બેડી મરીન પોલીસ સ્ટેશનના વર્ગ 3ના લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં કર્મચારીને 11,000 રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર બંદરના દરિયાકિનારે વહાણમાં વિદેશથી કોલસી આવતી હોય જે અનલોડીંગ થતાં સમયે કોલસી દરિયાના પાણીમાં જોડાઇ જાય તે કચરો વોડી વારા મજૂરો બહાર કાઢી ફરિયાદીને વેચે છે. ફરિયાદી આવો કચરો પોતાની રીક્ષામાં ભરી વેચતા હોય આરોપી ધનશ્યામસિંહ ખુમાનસિંહ જાડેજા બેડી મરીન પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં હોય ફરિયાદીનું દરિયમાંથી ચોરી કરવાના ગુનામાં ફીટ નહીં કરવાની ધમકી આપી હપ્તા પેટે રૂા.11,000ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માનતા ન હોય એસીબીનો સંપર્ક કરી એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.
એસીબી રાજકોટના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના સુપરવિઝન હેઠળ જામનગર પીઆઇ એ.ડી.પરમાર (ટ્રેપીંગ અધિકારી) તેમજ જામનગર અને દ્વારકા એસીબી સ્ટાફ દ્વારા બેડેશ્ર્વર કાટો ઝમઝમ રેસ્ટોરન્ટની અંદર છટકું ગોઠવી આરોપી ધનશ્યામસિંહ જાડેજાને રૂા.11,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.