ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક મોટો અકસ્માત થયો છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં લગ્ન સમારોહ દરમિયાન મોડી રાત્રે એક મોટી દુર્ઘટનામાં 13 મહિલાઓના મોત થયા છે. મૃતકોમાં 9છોકરીઓ પણ સામેલ છે. નૌરંગિયા ટોલા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન પીઠીની વિધિ ચાલી રહી હતી. ગામના જૂના કૂવા પર પીઠીની વિધિ માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ દરમિયાન કૂવાનો સ્લેબ તૂટી જતાં તેના પર બેઠેલી મહિલાઓ અને બાળકીઓ કૂવામાં પડી ગયા હતા. કૂવાના સ્લેબનો કાટમાળ પણ આ મહિલાઓ પર પડ્યો હતો. જેમાં 9 બાળકી સહીત 13 મહિલાઓના મોત નીપજ્યા છે.
પીઠી દરમિયાન યોજાનારી ધાર્મિક વિધિ માટે 50 જેટલી મહિલાઓ કૂવા પાસે આવી હતી. અચાનક કૂવાના સ્લેબ તૂટી પડતાં 35 જેટલી મહિલાઓ કૂવામાં પડી ગઈ હતી. અકસ્માત બાદ ચારેબાજુ હોબાળો મચી ગયો હતો. આસપાસના લોકો દોડી આવ્યા હતા. બચાવકાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું. 9 બાળકીઓ અને 4 મહિલાઓને કૂવામાંથી બહાર કાઢીને હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી. પરંતુ એ પહેલા જ તેમનું મોત થયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું- ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે, હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદમાં સામેલ છે.