ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક વાંદરાનો મુકામ બની રહ્યો છે. જે અવારનવાર જુદા જુદા વિસ્તારોમાં દેખા દેતા લોકોમાં કુતૂહલ પ્રસરી જવા પામ્યું છે. કોઈ વન્ય વિસ્તારમાંથી ખંભાળિયામાં ચડી આવેલા એક મજબૂત અને સશક્ત કપિરાજ ખંભાળિયા શહેર તથા અન્ય વિસ્તારોમાં અવારનવાર દેખા દયે છે.
ખંભાળિયાની મેઈન બજારમાં આજે સવારે આ વાંદરો જોવા મળ્યો હતો. કેટલીક દિવાલો તેમજ વૃક્ષ પર હુપા-હુપ કરી અને કુદાકુદ કરતા આ વાંદરાએ લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. આ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા અને કેળા, જીંજરા તથા અન્ય ખાદ્ય પદાર્થો આપી મનોરંજન મેળવ્યું હતું. હાલ કોઈ પણ પ્રકારની કનડગત વગરના આ વાંદરાને વન્ય વિસ્તાર કરતા ખંભાળિયાના શહેરી વિસ્તારમાં જાણે મજો પડી ગયો હોય અને કાયમી અહીં વસવાટ બનાવી લીધો હોય તેમ લોકો વ્યંગપૂર્વક જણાવી રહ્યા છે.