કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજાની સીમમાં મજૂરી કામ કરતા સમયે ચકકર આવતા પડી જવાથી બેશુદ્ધ થઈ જતાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા વૃધ્ધ વેપારીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજાની સીમમાં ગત તા.31 ના બપોરના સમયે ખેતમજૂરી કરતા વિકેશ સુખરામ નિંગવાલ (ઉ.વ.21) નામના આદિવાસી યુવકને તેના ખેતરમાં એકાએક ચકકર આવતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ઉગેશ રાઠવા દ્વારા જાણ કરાતા હેકો એફ.એમ. ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં રહેતા દેવશીભાઈ ચનાભાઈ વાઘેલા (ઉ.વ.65) નામના વૃદ્ધે ગત તા.31 ના રોજ વહેલીસવારના સમયે તેની દુકાનમાં પીઢિયામાં દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની વશરામભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.એસ. પાંડોર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.