ગુજરાતના ખેડૂતો માટે પાકની આકારણી અને જમીન રેકોર્ડના ડિજીટાઇઝેશનમાં કિસાન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ સૌ પ્રથમ ગુજરાત કરશે તેવું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેમાં રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો જે નિર્ધાર કરવામાં આવ્યો છે તેને ગુજરાત સફળતાપૂર્વક પાર પાડશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કરેલા 2022-23ના વર્ષના બજેટને આવકારતાં મુખ્યંત્રીએ કહ્યું કે બાજરો, જુવાર જેવા ધાન્યોના મૂલ્યવર્ધન માટે સહાયની બાબતથી રાજ્યના આદિજાતિ પટ્ટાના ખેડૂતોને મોટો લાભ થશે. તેમણે કહ્યું કે બજેટમાં બેટરી સ્વેપિંગ પોલિસી અંતર્ગત શહેરી વિસ્તારમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન મળશે.
બજેટ પ્રતિક્રિયામાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમ્યાન દેશના નાગરિકોને ફ્રી-વેક્સિન, જરૂરતમંદોને ફ્રી-રેશન, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વૃદ્ધિ જેવા આરોગ્ય વિષયક અનેક પગલાઓનો લાભ આપવા છતાં કેન્દ્ર સરકારે આ બજેટ જનતા પર વધારાના એક પણ રૂપિયાના કરબોજા વગરનું રાખ્યું છે. આ મહામારીમાંથી સમગ્ર અર્થતંત્ર ઝડપથી બેઠું થાય તે માટે યુવાઓ, મહિલાઓ, ખેડૂત વર્ગો, વિદ્યાર્થીઓ, ધંધા-રોજગારકારો, એસ.સી., એસ.ટી., ગરીબ, ગ્રામિણ સૌના સર્વગ્રાહી વિકાસ અને ઉત્થાન માટેની પ્રતિબદ્ધતા વાળા આ બજેટ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે આ બજેટ અમૃત બજેટ આગામી 25 વર્ષના અમૃતકાળ પર અર્થતંત્રને લઇ જવાનો પાયો નાખનારૂં છે. ભારત આઝાદીના 75 થી 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીની બ્લ્યુ પ્રિંટ અને વિકાસનો રોડ્મેપ આ બજેટમાં છે. આ બજેટમાં ચાર પ્રાથમિકતાઓ – 5ીએમ ગતિ શક્તિ, સર્વસમાવેશક વિકાસ, ઉત્પાદકતા વૃદ્ધિ અને રોકાણની તકો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 80 લાખ આવાસોનું નિર્માણ આગામી એક વર્ષમાં થવાથી લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થશે.
પી.એલ.આઇ. સ્કિમ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં 60 લાખ યુવાનોને રોજગારીના અવસરથી આત્મનિર્ભર ભારત સાકાર થશે. શિક્ષણ ક્ષેત્રે ડિજીટલ ક્રાંતિ માટે ડિજીટલ યુનિવર્સિટી સ્થાપવા સાથે પીએમ ઇ-વિદ્યા અંતર્ગત ટીવી ચેનલથી તમામ રાજ્યોના ધોરણ 1 થી 12 માં પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ આપી શકાશે. બીજી તરફ હાલમાં સહકારી મંડળીઓએ અલ્ટરનેટીવ મિનિમમ ટેક્સ 18.5 % ચુકવવો પડે છે તે હવે ઘટાડીને 15% કરવામાં આવ્યો છે તેમજ 1 થી 10 કરોડ સુધીની આવક ધરાવતી કો-ઓપરેટીવ સોસાયટીઝ પરનો સરચાર્જ 12%થી ઘટાડીને 7% કરવામાં આવ્યો છે જે સહકારી ક્ષેત્ર માટે સારી બાબત છે. આ બજેટમાં ગુજરાતના ગિફ્ટ સિટી સંદર્ભમાં પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, ફિનટેક, ટેકનોલોજી, મેથેમેટિક્સ વિગેરે માટે ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્થપાશે. ઇન્ટરનેશનલ આર્બેટ્રેશન સેન્ટર પણ ગિફ્ટ સિટી ખાતે શરૂ થશે. એટલું જ નહીં, સુરતના જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગકારોને રાહત આપતા આ બજેટમાં પોલિશ્ડ ડાયમંડ અને જેમ્સ સ્ટોન પરની કસ્ટમ ડયુટી ઘટાડીને 5% કરવામાં આવી છે તે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને બળ આપશે.