ટેલિકોમ ઓપરેટરોએ હવે પ્રીપેડ સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકોને 28 દિવસની જગ્યાએ 30 દિવસની વેલીડીટી આપવી પડશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આ આદેશ જારી કર્યો છે. 28 દિવસની વેલીડીટી હોવાથી ગ્રાહકોએ વર્ષમાં 13 વખત રીચાર્જ કરાવવુ પડે છે. પરંતુ જો 30 દિવસની વેલીડીટી કરી નાખવામાં આવે તો વર્ષમાં 12 વખત જ રીચાર્જ કરાવવું પડે.
હાલમાં, ટેલિકોમ ઓપરેટરો દ્વારા પ્રીપેડ ગ્રાહકોને ઓફર કરવામાં આવતા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ કારણે મહિના પ્રમાણે રિચાર્જ કરનારા લોકોએ દર વર્ષે ઓછામાં ઓછા 13 રિચાર્જ કરવા પડશે. જો કે, TRAIની સૂચના જણાવે છે કે હવે દરેક ટેલિકોમ સેવા પ્રદાતાએ ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો (કોલ અને ડેટા) વાઉચર રાખવું પડશે, જેની વેલિડિટી 30 દિવસની હશે.
આ નોટિફિકેશનને કારણે હવે મોબાઈલ ફોનમાં નેટવર્ક સર્વિસ પૂરી પાડતી કંપનીઓએ આવા પ્લાન આપવા પડશે, જેને મહિનાની એ જ તારીખે રિન્યૂ કરી શકાશે. આ સિવાય ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ આદેશ જારી થયાની તારીખથી 60 દિવસની અંદર તેના પર જરૂરી કાર્યવાહી કરે.