કમોસમી વરસાદ બાદ હાલાર સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારો કોલ્ડવેવની ઝપેટમાં આવી ગયા છે. ઉત્તરભારતમાં હાડગાળતી ઠંડીએ જનજીવન ખોરવી નાખ્યું છે. તો જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનમાં 6 થી 7 ડિગ્રીનો કડાકો બોલી ગયો છે. પહાડી રાજયોમાં જોરદાર હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર ઉત્તર ભારતના રાજયોમાં દેખાઇ રહી છે. કાતિલ ઠંડીને કારણે ગિરનાર પર્વત બે ડિગ્રીએ થીજી ગયું છે. તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ તાપમાન માઇનસમાં ચાલી જતાં બરફની પાતળી ચાદર છવાઇ ગઇ છે.
જામનગરમાં પાંચેક દિવસ પૂર્વે કમોસમી વરસાદના કારણે ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળ્યા બાદ વાદળો દૂર થતાં શહેરમાં ફરીથી તિવ્ર ઠંડીનો માહોલ છવાયો છે. જામનગરમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયા બાદ લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા ગઇકાલે 10.6 ડિગ્રી નોંધાયા બાદ લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે આજે 11 ડિગ્રી નોંધાયું હતું. તો બીજીતરફ દ્વારકા જિલ્લામાં પણ ગત સાંજથી ઠંડીનું જોર વધ્યું છે. ખંભાળિયા તાલુકામાં તાપમાનનો પારો સિંગલ ડિઝિટ સુધી પહોંચી ગયો છે.
જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રુમના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 23.5 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 11.0 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા નોંધાયું હતું. કાતિલ ઠંડીના કારણે શહેરીજનો ધ્રુજી ઉઠયા હતાં. ઠંડીના પરિણામે લોકો ઘરમાં પુરાઇ રહેતાં શહેરના રાજમાર્ગો સુમસામ જોવા મળ્યા હતાં. શિયાળાએ અસલ મિજાજ બતાવતાં વ્હેલી સવારે તથા મોડીરાત્રે હાર્ડ ધ્રુજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું હતું.
ખંભાળિયા તાલુકા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સાંજથી ઠંડીનું જોર વધ્યું છે. ખંભાળિયા તાલુકામાં તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા સિંગલ ડિજિટ સુધી તાપમાન પહોંચી ગયું છે. આજે સવારથી ખંભાળિયાના નગરજનોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.
આ સાથે ફૂંકાતા ઠંડા પવનથી ગાત્રો થીજવી દે તેવી ઠંડી અનુભવાઈ હતી. જેના કારણે વહેલી સવારે દસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. જેની સીધી અસર અસર જનજીવન પર જોવા મળી હતી. આજે સવારે બજારો ખુલી હતી. હાલની પરિસ્થિતિમાં પશુ -પક્ષીઓ વધુ દયાજનક પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસો વધુ ઠંડી ભર્યા બની રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
રાજ્યમાં આજે પણ સૌથી વધુ ઠંડી 6.2 ડીગ્રી સાથે નલિયામાં નોંધાઈ હતી. આ ઉપરાંત રાજકોટ શહેરમાં 9.7, મહુવામાં 9.1, કેશોદમાં 8.8, અમદાવાદમાં 9.3, ડીસામાં 9.5, ગાંધીનગરમાં 7.1, વલ્લભ વિદ્યાનગરમાં 8.8 તથા વડોદરા ખાતે 8.9 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. દરમ્યાન આજરોજ જૂનાગઢનો ગિરનાર પર્વત કાતિલ ઠંડીમાં થીજી ગયો હતો.
ગઇકાલે અને શનિવારના સોરઠ અને જિલ્લામાં શિતલહેર ફરી વળી છે. સિજનની સૌથી વધુ ઠંડીનો માહોલ છવાઈ જતા જનજીવન ઉપર મોટી અસર જોવા મળી રહી છે. સાથે હીમ ગાળી નાખતો ઠંડો પવન ફૂંકાય રહ્યો છે. વાતાવરણ ગઇકાલે અને આજે ઠંડુગાર થઇ જવા પામ્યું છે.
ગિરનાર પર્વત ઉપર ભારે ઠંડીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. ઠંડીનો પારો નીચે ગબડી 2 ડીગ્રીએ નીચે આવી જવા પામ્યો છે. બર્ફીલા પવનના કારણે પ્રવાસીઓ ઠુંઠવાય જવા પામ્યા છે. હાડ ગાળી નાખે અને સોંસરવો ઉતરી જાય તેવો ઠંડો પવન ગિરનાર પર્વત ઉપર ફૂંકાઇ રહ્યો છે.
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ બે ડિગ્રીએ પહોંચી ગયું છે. જેના કારણે પાણીના કુંડમાં પણ બરફ જામી ગયો હતો. તો બીજી તરફ બગીચા અને ગાડીઓ ઉપર પણ એક બરફની પાતળી પરત બની ગઇ છે. માઇનસ ડિગ્રીમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની મજા માણી રહ્યા છે.
સગર્ભા મહિલાઓ, બુઝુર્ગોને ઠંડીથી બચવા સલાહ
હવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.
પાંચ દિવસ કોલ્ડવેવ ત્યારબાદ ફરી માવઠું
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 16 જાન્યુઆરીથી ફરી એકવાર નવા વેસ્ટર્ન ડિન્સ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ (માવઠું) ની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. જે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી શકે છે.