જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૭માં પદવીદાન સમારોહ કાર્યક્રમમાં કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર કલેકટર કચેરી ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. કૃષિ મંત્રીના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૧ કરોડ ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત કૃષિ સંશોધન યોજના અંતર્ગતના સેન્ટર ઓફ રીમોટ સેન્સિંગ એન્ડ જિઓઇન્ફોર્મેટિક્સ ઇન એગ્રીકલ્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીએ પદવી પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના જ્ઞાન અને તકનીકનો કૃષિ અને શ્રમજીવી કૃષિકારના વિકાસમાં ઉપયોગ કરી સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ અદા કરવા અભ્યર્થના વ્યક્ત કરી જણાવ્યું હતું કે, દેશ સામે આજે મુખ્ય ત્રણ પડકારો છે. (૧) સતત વધતી જતી વસ્તીને જરૂરિયાત મુજબ વ્યાજબી કિંમતે પોષણયુક્ત અનાજ પૂરું પાડવું ૨) અન્ન સલામતીની સાંકળના મૂળમાં રહેલ ખેતીની સધ્ધરતા અને ખેડૂતને સન્માનભેર આર્થિક સુખાકારી અને (૩) આબોહવા પરિવર્તનને કારણે ઉદભવતા જોખમો અને આપત્તિનું નિરાકરણ અને સંસાધનોનું રક્ષણ. આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય ખૂબ જરૂરી છે. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્ર પર અસર થતી હોવાથી કૃષિના વિકાસમાં તેઓનો સમન્વય કરવો ખાસ આવશ્યક છે. વર્ષ ૨૦૨૦-૨૧ની કોરોનાની પરિસ્થિતિમાં પણ અન્ય ક્ષેત્રોની સાપેક્ષમાં કૃષિ ક્ષેત્ર સતત વૃધ્ધિ પામતું તેમજ વર્ષભર રોજગારી પૂરું પાડતું ક્ષેત્ર જોવા મળ્યું હતું.
ગુજરાત સરકારે છેલ્લા બે દાયકાથી કૃષિક્ષેત્રે પરિવર્તનો સાથે ક્રાંતિકારી કૃષિ વિકાસ કરી ખેડૂતોની આવકમાં વધારો અને તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવ્યા છે. રાજ્યની મૂલ્યવૃદ્ધિમાં ગત વર્ષ કૃષિનો ફાળો ૧૦.૧ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારે પણ ૨૦ લાખ કરોડના પેકેજ સાથે કૃષિ વિકાસ માટે આંતરમાળખાકીય સુવિધાઓ, આત્મનિર્ભર ભારત – સ્વાવલંબન ભારત માટે અર્થવ્યવસ્થા, માળખાગત સુવિધાઓ, પ્રણાલીઓ અને વસ્તીશાસ્ત્ર વગેરે આત્મનિર્ભર ભારતના સ્તંભરૂપે અમલી બનાવી કૃષકોનો વિકાસ કરી તેમની આવકમાં વધારો કરવામાં યોગદાન આપ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોની દરકાર લીધી છે તેવી જ રીતે રાજ્ય સરકારએ કૃષિ મહોત્સવ, એગ્રો બિઝનેસ પોલીસી, માઈક્રો ઈરીગેશન, હાઈટેક હોર્ટી કલ્ચર, જ્યોતિગ્રામ, રિસ્ક મેનેજમેન્ટ, વોટર હાર્વેસ્ટિંગ, રોડ નેટવર્ક, એપીએમસી, એનિમલ હેલ્થ ઇત્યાદિ કૃષિ અને ખેડૂતના વિકાસમાં સુવિધાઓનો વધારો કર્યો છે તેમ મંત્રીએ ઉમેરી કૃષિ ક્ષેત્રની ગુજરાતની ઉપલબ્ધિઓ જણાવી હતી.
કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રાજ્યપાલ અને યુનિવર્સિટીના ચાન્સેલર આચાર્ય દેવવ્રત દ્વારા વર્ચ્યુઅલ અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રત્યક્ષ પદવી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલએ વિદ્યાર્થીઓને દેશ અને રાજ્યના વિકાસમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવા જણાવી પ્રાકૃતિક કૃષિ અને તેમાં કૃષિ પ્રત્યેના જ્ઞાન પ્રાપ્ત કરનાર સંશોધકોના અમૂલ્ય પ્રદાન વિશે જણાવ્યું હતું. રાજ્યપાલએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ થકી આવનારા સમયમાં નવી પેઢીને પોષણક્ષમ અનાજ, પ્રદુષણમુક્ત આહાર આપી શકાશે. આ માટે રાજ્યપાલએ કૃષિક્ષેત્રે પ્રાકૃતિક કૃષિ માટેની ચલાવેલી મુહિમ વિશે વધુ જણાવતા પ્રાકૃતિક કૃષિના ફાયદા વિશે કહ્યું હતું તેમજ ઓછી લાગત, વધુ અને ગુણવત્તાયુક્ત પાક મેળવી ભવિષ્યની પેઢીને વધુ સક્ષમ બનાવવા માટે કૃષિ સ6શિધકોને જોડાવા અનુરોધ કર્યો હતો.સમારોહના મુખ્ય અતિથિ આઇ.આઇ.ટી. ખડગપુરના ડાયરેક્ટર વિરેન્દ્રકુમાર તિવારીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગ અને વર્લ્ડ બેંક સ્પોન્સર્ડ ગર્લ્સ જિમ્નેશિયમ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેન્દ્રકુમાર ગોંટિયા, રજીસ્ટ્રાર તથા વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.