Tuesday, December 24, 2024
Homeબિઝનેસત્રીજી લહેરના જોખમ વચ્ચે 9.2 ટકા જીડીપીનો અંદાજ

ત્રીજી લહેરના જોખમ વચ્ચે 9.2 ટકા જીડીપીનો અંદાજ

જો કે વાસ્તવિક વૃધ્ધિ માત્ર 1.1 ટકાની જ રહેશે

- Advertisement -

નાણકીય વર્ષ 2021-22 દરમિયાન દેશનું કુલ ઘરેલું ઉત્પાદન (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કે જીડીપી) 9.2 ટકાના દરે વૃદ્ધિ પામશે એવો પ્રથમ અંદાજ કેન્દ્ર સરકારે શુકવારે રજુ કર્યો છે. જોકે, રિઝર્વ બેંકના 9.5 ટકાના જીડીપી વૃદ્ધિ દર કરતા આ અંદાજ ઓછો છે પણ આ મહિનાના અંતે વધારે ડેટા, કંપનીઓના પરિણામના આધારે પ્રથમ અંદાજમાં સુધારો કે ફેરફાર પણ થઇ શકે છે.

- Advertisement -

અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2020-21 દરમિયાન કોરોના મહામારીના કારણે ત્રણ મહિના ચાલેલા લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગના કડક અમલના કારણે ભારતનો જીડીપી નેગેટીવ 7.3 ટકા રહ્યો હતો. આ વર્ષે કોરોનાના કેસમાં લાંબો સમય સુધી રાહત રહેતા વિવિધ ચીજોની માંગ વધવાના કારણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના સારા પ્રદર્શનના કારણે આથક વૃદ્ધિ જોવા મળી શકે છે. પ્રથમ અંદાજ અનુસાર વર્ષ 2021-22ના સ્થિર ભાવે વાસ્તવિક જીડીપી રૂ.147.54 લાખ કરોડ રહેશે જે ગત વર્ષે રૂ.135.13 લાખ કરોડ હતો. વર્તમાન ભાવે (એટલે કે મોંઘવારી સહિત) દેશનો જીડીપી 2021-22માં રૂ.232.15 લાખ કરોડ રહેશે જે 2020-21માં રૂ.197.46 લાખ કરોડ હતો આમ, વર્તમાન ભાવે દેશના જીડીપીમાં 17.6 ટકાનો જંગી ઉછાળો જોવા મળશે એવો અંદાજ છે. જોકે, વર્ષ 2019-20ના સામાન્ય વર્ષ સામે દેશનો વાસ્તવિક જીડીપી માત્ર 1.1 ટકા જ વધશે અને વર્તમાન ભાવે તેમાં 14 ટકાનો વધારો જોવા મળશે. દરમિયાન, કેન્દ્ર સરકારના પ્રથમ અંદાજ અનુસાર દેશમાં ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) વૃદ્ધિ 2021-22માં 8.6 ટકા રહે એવી શક્યતા છે જે ગત વર્ષે નેગેટીવ 6.2 ટકા હતી.

અહી એ પણ નોંધવું જરૂરી છે કે વર્ષ 2019-20નો આર્થિક વિકાસ દર માત્ર ચાર ટકા હતો જે છેલ્લા છ વર્ષનો સૌથી નીચો વિકાસ દર હતો. દેશના આર્થિક વિકાસ દરમાં વૃદ્ધિ માટે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ટ્રેડ હોટેલ્સ અને ટ્રેડીંગ, બાંધકામ અને સરકારી ખર્ચનો સૌથી મોટો ફાળો રહેશે એવું સરકારના અંદાજમાંથી ફલિત થાય છે. વર્ષ 2020-21માં મહામારીના કારણે આ બધા જ ક્ષેત્રની વૃદ્ધિને માઠી અસર થઇ હતી અને તેનો દર નેગેટીવ રહ્યો હતો. આ વર્ષે કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર 3.9 ટકા, મેન્યુફેક્ચરિંગ 12.5 ટકા, ટ્રેડ, હોટેલ્સ 11.9 ટકા વધે એવી શક્યતા છે. મહામારીના કારણે લોકોની આવકને મોટો ફટકો પડયો હતો અને તેના કારણે ગ્રાહકોની ખરીદી અટકી પડી હતી આ સિવાય લોકડાઉન અને કડક નિયંત્રણના કારણે પણ ખરીદી ઘટી હતી. 2021-22માં લોકોનો વપરાશ (કે જે દેશના જીડીપીમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે), સરકારી ખર્ચ અને નિકાસ વૃદ્ધિના કારણે પણ અર્થતંત્રને ટેકો મળી રહ્યો છે. ગત વર્ષે ગ્રાહક વપરાશ (વર્તમાન ભાવે) રૂ. 115.68 લાખ કરોડ હતું જે આ વર્ષે વધીને રૂ.132.52 લાખ કરોડ થશે એવો અંદાજ છે. જોકે, મોંઘવારીની અસર સાથે (એટલે કે પાયાના વર્ષ 2011-12ના ભાવે) વપરાશ જીડીપીના 54.8 ટકા રહેશે જે ર 2019-20ના સમાન્ય વર્ષમાં 57.1 ટકા જેટલું હતું. પ્રથમ અંદાજમાં કોરોનાની વર્તમાન લહેરના કારણે શક્ય છે કે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર ચુસ્ત નિયંત્રણની જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે કે સિનેમા હોલ્સ, પરિવહન, હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ બંધ કરવાની ફરજ પડે એવી સ્થિતિમાં આ અંદાજમાં ફેરફાર કરવો પડે તેવી શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular