જામનગરમાં હિન્દુ સેના દ્વારા તાજેતરમાં ગોડસે ગાથા કાર્યક્રમનું આયોજન કરાતાં વિવાદની પણ શરુઆત થઇ ચૂકી છે. ગઇકાલે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ દ્વારા ઇન્ચાર્જ એસ.પી.ને આ અંગે રુબરુ રજૂઆત કરી ફરિયાદ અરજી આપી હતી અને સમાજમાં અરાજકતા ફેલાવવાનું કાર્ય કરવા અંગે હિન્દુસેનાના પ્રતિક ભટ્ટ, ભાવેશ ઠુમ્મર સહિતના હોદેદારો સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.
જામનગરમાં હિન્દુસેના દ્વારા સંસ્થાના ભાવેશ ઠુમ્મરને ત્યાંથી તા.1 જાન્યુઆરીના રોજ ગોડસે ગાથા યોજીને આગામી દિવસોમાં અન્ય જિલ્લા અને ગામેગામ આ કથા યોજવાની જાહેરાત કરી હતી. જેના ઘેરા પડઘા પડી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, મહામંત્રી ભરતભાઈ વાળા, કિસાન કોંગ્રેસના કર્ણદેવસિંહ જાડેજા, કોર્પોરેટરો ધવલ નંદા, આનંદભાઈ રાઠોડ વગેરેએ હિન્દુ સેનાના આવા કાર્યક્રમની શરુઆતના પ્રત્યાઘાતના મુદ્દે ઈન્ચાર્જ એસ.પી. અને સીટી ડીવાયએસપી નિતેષ પાંડેને રૂબરુ મળીને ફરિયાદ અરજી રજુ કરી હતી. જેમાં હિન્દુ સેનાના હોદેદાર પ્રતિક ભટ્ટ, ભાવેશ ઠુમ્મર સહિતનાઓ સામે હિન્દુ સેનાના નામે અવાર-નવાર જામનગર શહેર-જિલ્લામાં અશાંતિ સર્જાય તે રીતની અને શહેરના શાંતીપ્રિય લોકોમાં ભડકાવ નિવેદનો કરી સમાજમાં ભાગલા કરવાની અને વર્ગ-વિગ્રહ ઉભો કરવા કાવતરું રચી કામગીરી કરી રહ્યાનો અને તાજેતરમાં ઈન્દીરા માર્ગ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના માનમાં ગોડસે ગાથાના નામે રાષ્ટ્રપિતા ગાંધીજીનું અપમાન થાય તે રીતે ખોટી રીતની ઉશ્કેરણીજનક વાતો કરીને સોશ્યલ મીડીયા અને મીડીયામાં જાણી જોઈને ફેલાવો કરીને મહાત્મા ગાંધી વિરૂધ્ધ વાતાવરણ ઉભું કરીને જામનગરની શાંતી ડહોળવાનું કૃત્ય કર્યું હોવાથી તેઓ સામે કાવતરા સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધવા માંગણી કરી છે.