સૌરાષ્ટ્રમાં 6 અને 7 જાન્યુઆરીએ વાદળછાંયા વાતાવરણ સાથે હળવો કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે ત્યારે વરસાદ થાય તો જીરૂ, ધાણા, રાઈ, ચણા, શાકભાજી પાકમાં રોગ જીવાતનો ખતરો ઉભો થવાની શક્યતા છે, વાદળછાંયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઉભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઈ, જીરૂ, ચણા, શાકભાજી વગેરે પાકમાં ખેડુતોએ સાવચેતી અને સલામતીના પગલાં લઈ ખેતીપાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. જેમાં વીણી કરેલા શાકભાજી કે કાપણી કરેલ પાક હોય તો વરસાદથી પાક ભિંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવા ખેતીવાડી તંત્ર દ્વારા નિર્દેશ કરાયો છે.
આ માટે ખાસ રાઈ, ચણા, જીરૂ, દિવેલા, શકભાજી વગેરે ઉભા પાકોમાં પિયત ટાળવું જોઇએ, ખેતરમાં રહેલા ઘાંસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવા, ફળપાકો કે શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા જોઇએ, પાકોમાં જિવાતનો ઉપદ્રવ થાય તો જંતુનાશક દવાનો છંટકાવ કરવો, જીરૂ, ચણા, રાઇ, શાકભાજી, દિવેલા સહિત કોઇ પાકોમા જિવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબકકે જૈવિક નિયંત્રણ કરવું અને જિવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઇએ તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.