જામનગર જિલ્લામાં જમીન માપણીના હજારો ખેડૂતોની ફરિયાદો આવી હોય, આ ગંભીર પ્રશ્ને યોગ્ય નિરાકરણ લાવવા પૂર્વ સાંસદ અને પૂર્વ જામનગર જિલ્લાા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી રજૂઆત કરાઇ છે. તેમજ આ સમસ્યા અંગે જામનગરથી પ્રતિનિધિ મંડળને સમય ફાળવવા માગણી કરવામાં આવી છે. જેથી જામનગરનું પ્રતિનિધિ મંડળ આ અંગે રૂબરૂ રજૂઆત કરી શકે.
જેમાં જણાવ્યું છે કે, અંદાજે પાંચ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ તરીકે જમીન માપણી કરવામાં આવી હતી. આ માપણીમાં જિલ્લાના હજારો ખેડૂતોની ફરિયાદો આવેલ છે કે, એકબીજા ખેડૂતોના જમીનના નકશામાં ફેરફાર આવ્યા છે તેમજ જમીનના ક્ષેત્રફળમાં ફેર આવેલ છે. આ અંગે તત્કાલિન મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી દ્વારા જિલ્લા સ્તરે બેઠક કરવામાં આવી હતી. જેમાં સાંસદ, ધારાસભ્યો અને સંગઠનના પદાધિકારીઓએ સચોટ રજૂઆત કરી હતી કે, જુની માપણી ગ્રાહ્ય રાખવી અને નવી માપણી રદ્ કરવી. હાલ માપણી માત્ર ટેબલ પર બેસીને જ કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં 20 હજાર ફાઇલો નિકાલ વગર અભેરાઇએ ચડાવી દેવામાં આવી છે. વિસંગતતા અંગેની ફાઇલોનો સાચો નિકાલ ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા છતાં આવતો નથી. આ રીતે સેટેલાઇટથી થયેલ માપણીથી ગામડે ગામડે ભાઇ-ભાઇ તથા પાડોશી-પાડોશી વચ્ચે વેરઝેર થશે તેવું વાતાવરણ થઇ ચૂકયું છે. એક એમ કહેવામાં આવેલ કે, જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલ હોદેદારો રુબરુ ગાંધીનગર આવો તો આપણે પ્રશ્નનો નિકાલ કરવો જ છે અને ગાંધીનગર રુબરુ ગયેલ હોવા છતાં હજૂ આજ સુધી આ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી. જુની માપણીમાં માત્ર 1 ટકા જેટલી જ ફરિયાદો હતી પરંતુ નવી માપણીમાં તો 100 ટકા નારાજગી છે જેથી જુની માપણી માન્ય ગણવી જોઇએ. આ નિર્ણયથી હાલ અધિકારીઓ બેફામ લૂંટ ચલાવી રહ્યાં છે અને 2 કે 3 વર્ષથી રજૂઆત કરનારને ન્યાય મળતો નથી અને નવા અરજદારોની ફાઇલો ક્લિયર કરવામાં આવે છે. જેમાં મોટીર કમ ઉઘરાણા થઇ રહ્યાં છે. તત્કાલિન જિલ્લા અધ્યક્ષ હોવાના નાતે અમારી પાસે આ ગંભીર પ્રશ્ને અસંખ્ય રજૂઆતો આવી છે.