જામનગરમાં બેટરી ઉત્પાદકના અગ્રણી ઉદ્યોગપતિના પરિવારના ચાર સભ્યો દ્વારા પશ્ચિમ બંગાળના સિલિગુડીની વેપારી પેઢીના મહિલા સંચાલક સામે અંદાજે 63 લાખ 72 હજારની જુદી જુદી ચાર છેતરપિંડીની ફરિયાદમાં અદાલતે પશ્ચિમ બંગાળના સિલિગુડીની પેઢીના મહિલા સંચાલકને તકસીરવાન ઠરાવી ચારેય કેસમાં એક-એક વર્ષની જેલની સજા ફટકારી છે. ઉપરાંત પ્રત્યેક ચેક મુજબની રકમ દંડ સ્વરૂપે ફરિયાદીને ચૂકવી દેવા હુકમ ફરમાવ્યો છે.
આ બનાવની વિગત મુજબ જામનગરના ઉદ્યોગ જગતમાં આગવું સ્થાન ધરાવતા ગોલ્ડ સ્ટાર પાવર લિમિટેડ કંપની દેશ-વિદેશમાં અનેક શાખાઓ ધરાવે છે. જે કંપનીમાં એમડી નવનિતભાઈ પણસારા એ પોતાના સંબંધ દાવે પશ્ચિમ બંગાળના સિલિગુડીની એસ.ડી.એમ. એન્ટરપ્રાઇઝ નામની પેઢીના સંચાલક નિશાબેન બીજયકુમાર અગ્રવાલને ધંધાના વિકાસ માટે હાથ ઉછીની 16.72 લાખની રકમ આપી હતી અને તે સામે ચેક મેળવ્યો હતો. જે બેંકમાંથી નાણાના અભાવે પાછો ફર્યો હોવાથી નવનિતભાઈ દ્વારા ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી.આ ઉપરાંત ગોલ્ડ સ્ટાર બેટરીના અન્ય ડાયરેક્ટરો અમૃતભાઈ પણસારા કે જેમણે નિશાબેન અગરવાલ સામે રૂપિયા 16 લાખના ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. તેમજ ડાયરેક્ટર મુળજીભાઈ પણસારા દ્વારા પણ તેજ પેઢી સામે રુપિયા 15 લાખ ના ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે વિશાલભાઈ પણસારા દ્વારા પણ 16 લાખના ચેક રીટર્નની ફરિયાદ નોંધાવાઈ હતી.
ઉપરોક્ત કુલ 63 લાખ 72 હજારની જુદા-જુદા ચેક રિટર્ન અંગેની ચાર ફરિયાદમાં જામનગરની અદાલતે ચુકાદો જાહેર કર્યો છે અને સિલિગુડીની પેઢીના મહિલા સંચાલક એવા નિશાબેન વિજયકુમાર અગ્રવાલને ચેક રિટર્ન અંગેના કેસા તકસીરવાન ઠરાવી ચારેય કેસમાં એક એક વર્ષની જેલ સજા ફટકારી છે. જ્યારે પ્રત્યેક ચેક મુજબ કુલ 63 લાખ 72 હજારની રકમ વળતરના સ્વરૂપમાં ચારેય ફરિયાદીને ચૂકવી આપવાનો પણ આદેશ કરાયો છે.
ઉપરોક્ત ચારેય કેસમાં ફરિયાદી પેઢીના ડાયરેક્ટરોના વકીલ તરીકે નાથાલાલ પી ઘાડીયા, હિતેન અજુડિયા, પરેશ સભાયા, રવીન્દ્ર દવે, હિરેન સોનગરા, હસમુખ મોલિયા, રાકેશ સભાયા, પ્રિયેન મંગે, તથા ગજેન્દ્રસિંહ ઝાલા રોકાયા હતા.