- Advertisement -
ખંભાળિયા તાલુકાના સોડસલા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ પરિણીતાએ પોતાના પતિના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા આ પ્રકરણમાં ખંભાળિયાની અદાલતે આરોપી પતિને પાંચ વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા સોડસલા ગામના વાડી વિસ્તારમાં રહેતા એલિયાસ ખમીશા સંઘાર નામના સંધિ મુસ્લિમ યુવાનની પત્ની આયશાબેને પોતાના પતિ એલિયાસના ત્રાસથી કંટાળી, ગત તારીખ 21-06-2017 ના રોજ પોતાના ઘરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી લેતાં તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ અંગે આયશાબેને પોલીસ રૂબરૂ નિવેદન આપ્યા બાદ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું.
આમ, પતિના દુઃખ, ત્રાસ અને મારકૂટ સહન ન થતાં મરી જવા મજબુર બનેલી પરિણીતા અંગે એલિયાસ ખમીશા સંઘાર સામે આઈ.પી.સી. કલમ 306 વિગેરે મુજબ ગુનો નોંધાયા બાદ આ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપાલ સેશન્સ અદાલતમાં ચાલી જતાં આ પ્રકરણમાં સરકારી વકીલ કમલેશકુમાર સી. દવે દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે એલિયાસ ખમીસા સંઘારને આઈ.પી.સી. કલમ 306 ના ગુનામાં પાંચ વર્ષની કેદ તથા દંડ ઉપરાંત સ્ત્રી અત્યાચારના ગુનામાં છ માસની કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
- Advertisement -