જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં નીલકમલ સોસાયટીમાં રહેતા તરૂણે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના એરફોર્સ સ્ટેશન-1 માં રહેતાં પ્રૌઢનું તેના ઘરે પડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં નીલકમલ સોસાયટીમાં રહેતા ક્રિપાલસિંહ કિશોરસિંહ જેઠવા (ઉ.વ.15) નામના તરૂણેે શનિવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તરૂણના આપઘાતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગેની મૃતકના પિતા કિશોરસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ.પરમાર તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગરના એરફોર્સ સ્ટેશન 1 માં કવાર્ટર નં.989/4 માં રહેતાં અને આસામના દીબુગઢ જિલ્લાના આલુઆ ગામના વતની અજામીલ લોકેશર બરુવા (ઉ.વ.51) નામના પ્રૌઢ રવિવારે બપોરના સમયે તેના ઘરે રસોડામાં પડી જતાં શરીરે અને માથામાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની બલરામ બરુવા દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.