સીએજીએ રેલ્વેની પોલ ખોલી છે અને જણાવ્યુ છે કે રેલ્વેને 26328 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. સીએજીએ ભારતીય રેલ્વેના સરપ્લસ બેલેન્સ શીટવાળા દાવાને ખોટો ઠેરવ્યો છે. કેગએ પોતાના રીપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે રેલ્વેએ એકાઉન્ટન્સીમાં બાઝીગરી કરી 2019-20માં 1589 કરોડ રૂપિયા નેટ સરપ્લસ દર્શાવ્યા છે.
જ્યારે હકીકત એ છે કે એ નાણાકીય વર્ષમાં રેલ્વેના ઈતિહાસમાં પહેલીવાર વિભાગ રૂા. 26,328 કરોડની ખોટ એટલે કે નેગેટીવ બેલેન્સથી ઝઝુમી રહ્યો છે. આ પ્રકારે 2019-20માં રેલ્વેનો ઓપરેટીંગ રેશીયો 114.35 ટકા હતો એટલે કે રૂા. 100 કમાવવા માટે રેલ્વે રૂા. 114.35 ખર્ચ કરતુ હતુ પરંતુ રેલ્વેના હિસાબોનો દાવો છે કે એ વર્ષે ઓપરેટીંગ રેશીયો 98.36 ટકા હતો.
સીએજીએ રેલ્વેના 3 અધ્યાય સંસદમાં રજૂ કર્યા હતા. પ્રથમ અધ્યાયમાં રેલ્વેની નાણાકીય સ્થિતિ અંગે રેલ્વેએ દાવો કર્યો છે કે 2019-20માં તેની પાસે નેટ સરપ્લસ રૂા. 1589.42 કરોડ હતુ જ્યારે હકીકત એ છે કે આ નાણાકીય વર્ષમાં રેલ્વે 26326.39 કરોડના નેગેટીવ બેલેન્સનો સામનો કરતુ હતુ.
જાણકારોનું કહેવુ છે કે રેલ્વેએ સેવા નિવૃત કર્મચારીઓના પેન્શન અને અન્ય ખર્ચા ઝોનલ રેલ્વેના કુલ ખર્ચને બદલે પેન્શન ફંડમાં દર્શાવ્યા હતા. જો રેલ્વે પેન્શન અને અન્ય ખર્ચને કુલ ખર્ચમાં દર્શાવે તો રેલ્વેનું સરવૈયુ ઐતિહાસિક સ્વરૂપે પહેલીવાર 26326.39 કરોડના ખોટમાં ગણાય અને રેલ્વેનું નેટ સરપ્લસના દાવા હવામાં ચાલ્યા જાય. રેલ્વેએ નેટ સરપ્લસનો ઓપરેટીંગ રેશીયો 98.36 દર્શાવ્યો છે, પરંતુ હકીકત એ છે કે રેલ્વે 2019-20માં ખોટના પાટા પર દોડતી હતી અને તેનો રેશીયો હતો 114.35 ટકા.