જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણ સંદર્ભે સાવધ રહેવાની ખૂબ જ જરૂર છે. લાંબા સમય પછી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 60 વર્ષના વૃદ્ધાનું બુધવારે વહેલી સવારે જી.જી.હોસ્પિટલમાં કોરોનાની બીમારીના કારણે મોત નિપજતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. હાલ જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં બે માળ પર કોરોનાની સારવાર માટેના કુલ નવ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ચાર દર્દીઓને વેન્ટિલેટર પર રખાયા છે. ઉપરાંત મ્યુકોર્માઇકોસિસની બીમારીના ચાર દર્દીઓ પણ સારવાર હેઠળ છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના એ ફરીથી માથુ ઉંચકયુ છે અને દિન-પ્રતિદિન કોરોનાના કેસ સામે આવતા જાય છે. ઉપરાંત આજે જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 60 વર્ષના વૃધ્ધા કોરોનાની બીમારીના કારણે મોત નિપજ્યું હતું. લાંબા સમય પછી કોરોનાથી મૃત્યુ નિપજવા તંત્ર દોડતું થયું છે અને મૃતકની કોવિડની ગાઈડલાઈન મુજબ જામનગરના આદર્શ સ્મશાનમાં જ અંતિમવિધી કરી લેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા સંતોકબેન લક્ષ્મણભાઈ કાંબરીયા નામના 60 વર્ષના વૃધ્ધા જામનગરના કોવિડ વિભાગમાં છેલ્લા એકાદ સપ્તાહથી સારવારમાં હતાં દરમિયાન બુધવારે વહેલી સવારે તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
જી.જી. હોસ્પિટલના તંત્ર દ્વારા મૃતકની જામનગરના આદર્શ સ્મશાનમાં જ કોવિડની ગાઈડલાઈન મુજબ અંતિમવિધી કરી લેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરની જી.જી હોસ્પિટલના કોવિડ -એ વિભાગમાં ફુલ 9 દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. જેમાં 6 કોરોના પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી ચાર દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અન્ય એક દર્દીને ઓક્સિજન મારફતે સારવાર આપવામાં આવી રહી છે અને મ્યુકોર્માઇકોસિસની બીમારીના ચાર દર્દીઓ જી.જી.હોસ્પિટલના ઈ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવી રહ્યા છે. જે ચારેય દર્દીની સર્જરી કરી લેવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાથી અને દર્દીઓ ધીમે ધીમે હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા હોવાથી જી.જી. હોસ્પિટલનું તંત્ર પણ સક્રિય બન્યું છે.