જામનગર જિલ્લાની 128 ગ્રામ પંચાયતો સહિત રાજયની કુલ 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાન માટેનો તખ્તો ગોઠવાઇ ચૂકયો છે. રવિવારે યોજાનારા મતદાન માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પોલિંગ સ્ટાફને જરૂરી સામગ્રી સાથે જે-તે ગ્રામ પંચાયતમાં ચૂંટણી ફરજ માટે રવાના કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ, હોમગાર્ડઝ, એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 19મીએ મતદાન યોજાયા બાદ ર1 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. જયારે 24 તારીખે ચૂંટણી પ્રક્રિયા પૂરી થયેલી જાહેર કરવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કડકડતી ઠંડી વચ્ચે પણ ગામડાઓમાં રાજકીય ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લામાં રવિવારે 118 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 10 ગામોની પેટા ચુંટણી યોજાશે. આ ચુંટણી શાંતિથી અને સુચારૂ રીતે પુરી થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 56 ચુંટણી અધિકારીઓ સહિત પોલીંગ સ્ટાફના 1692 કર્મચારીઓ, 552 પોલીસ, 522 હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ હોમગાર્ડ જવાનો જામનગર સીટી, લાલપુર, અલિયાબાડા, ગોપ, જામવંથલી, ધ્રોલ, કાલાવડ, જોડિયા, સિકકા, જામજોધપુર, ધ્રાફાના જવાનો ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે ફરજ બજાવશે જે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હોમગાર્ડ જવાનોને જિલ્લા અધિકારી ડી.પી.જાડેજા તથા એન એ સરવૈયા માર્ગદર્શન અને દેખરેખ રાખી રહ્યા છે.
જામનગર જિલ્લામાં સરપંચ પદના કુલ 116 અને સભ્યપદના 697 ઉમેદવારો માટે જિલ્લાના 2.6 લાખ મતદારો 272 મતદાર મથકો પર વોટીંગ કરી શકે તે માટે 355 મતપેટીઓ ગોઠવાશે. જયાં બેલેટ પેપર દ્વારા વોટીંગ કરવામાં આવશે. ગામડાઓમાં આચાર સંહિતા પહેલાનો છેલ્લી ઘડીનો ચુંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. જામનગર જિલ્લામાં કુલ 43 ગ્રામ પંચાયતો સમરસ થતાં 118 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને એક માત્ર ખીમરાણા ગામે મધ્યસત્ર ચુંટણી યોજાઇ છે. 105 ગ્રામોમાંથી હવે માત્ર 10 ગામોમાં પેટા ચુંટણી યોજાઇ છે. અમુક ગામોમાં સમજુતીથી ઉમેદવારી પાછી ખેંચાઇ છે. તો અમુક ગામોમાં જે તે અનામતની બેઠક માટે જે તે જાતિના લોકો જ ન રહેતા હોવાથી તે બેઠકો ચુંટણી વિહોણી રહેશે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં તાલુકાવાર નોંધાયેલા મતદારોની વાત કરીએ તો જામનગર ગ્રામ્યમાં 43,659, કાલાવડમાં 31,701, લાલપુરમાં 41,829, જામજોધપુરમાં 44,642, ધ્રોલમાં18,279, જોડિયામાં 26,364 મળીને કુલ 2,06, 474 મતદારો નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તા. 19ના મતદાનનો દિવસ હોવાથી આજથી પ્રચાર ભૂંગળા બંધ કરી દેવાતા ઉમેદવારોએ છેલ્લા સમયનો ઉપયોગ ડોર ટુ ડોર પ્રચાર અને જુથ સભાઓ માટે કર્યો હતો. સુરતમાં સૌરાષ્ટ્રનો મોટો સમુદાય વસતો હોવાથી ત્યાંથી મતદારોને લાવવા માટે અમરેલી, જૂનાગઢ, રાજકોટ જિલ્લાના ગામડાઓમાથી ખાસ બસ દોડાવવામાં આવી રહી છે. જ્યાં પ્રતિષ્ઠાનો જં ગ ખેલાઈ રહ્યો તેવા ગામોમાં શુક્રવારની રાતથી જ ગાંઠીયા-ભજીયાના તાવડા મંડાયા હતા. શનિવારે સાંજે જ ડિસ્પેચીંગ સેન્ટરો ઉપરથી ચૂંટણી સ્ટાફ રવાના કરી દેવાશે. આ સ્ટાફ રાત્રી રોકાણ બુથ ઉપર કરીને મતદાન બાદ રવિવારની રાતે રિસિવીંગ સેન્ટરો ઉપર મતપેટીઓ સાથે પરત આવશે. મતપેટીઓ સ્ટ્રોંગરૂમમાં મુકાશે અને તા. 21ના મત ગણના થશે. આજે મતાધિકાર નહિ ધરાવતા લોકોને જે તે મત વિસ્તાર છોડીને નીકળી જવા આદેશ કરાયો હતો. સાથે જ વિસ્તારમાં મતદાનના દિવસે રજા નથી તેવા ગામમાં મતદાનના દિવસે રજા રાખવા પણ કલેકટરે સૂચના આપી હતી. રાજકોટ સહિત સમગ્રસૌરાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે મતદાન યોજાશે. જેમાં કોઈ મુશ્કેલીને કારણે ફેર મતદાનની જરૂર જણાય તો તા. 20ના રોજ ફરી મતદાન કરાવાશે. મત ગણના 21ના રોજ કરવામાં આવ્યા બાદ તા. 24ના રોજ
ચૂંટણીની પ્રક્રિયા પુરી થયેલી જાહેર કરાશે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ સમરસ થયેલી ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા 5 લાખની ગ્રાંટ વિકાસ કામો માટે આપવા જાહેરાત થઈ હતી. આમ છતા ગ્રામ પંચાયતોની ચૂંટણીને રાજકીય કારકિર્દીનું પ્રથમ પગથીયુ ગણીને સૌરાષ્ટ્રમાં સરેરાશ દરેક જિલ્લામાં 3000થી વધુ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.