લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતાં યુવાન તેની પત્નીને પેટમાં દુ:ખાવો થતા બાઈક પર દવાખાને લઇ જતાં સમયે મધ્યરાત્રિના બાઇક પર કાબુ ગુમાવી દેતાં નદીમાં ખાબકેલા દંપતી પૈકી પત્નીનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા હેતલબા ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.32) નામના મહિલાએ બુધવારેે રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પેટમાં દુ:ખાવો થવાથી તેણીના પતિ ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ.36) ને ઉઠાળ્યા હતાં અને પત્નીને દવાખાને લઇ જવાનું કહેતા પતિ રાત્રીના સમયે બાઇક પર દવાખાને લઇ જતા હતાં ત્યારે ગામથી નજીક નદી પરના કાંઠા વગરના પુલ પરથી પસાર થતા સમયે યુવાને બાઈક પરનો કાબુ ગુમાવતા બાઇક પુલ પરથી નીચે નદીમાં ખાબકયું હતું. પતિ-પત્નિી નદીમાં તણાવા લાગ્યા હતાં. જેમાં પતિ ધર્મેન્દ્રસિંહ રાત્રીના બહાર નિકળી જતાં બચી ગયા હતાં. જે બાદ પતિએ બુમો પાડતાં ગામ લોકો આવ્યા હતા અને હેતલબાની શોધખોળ આરંભી હતી.પરંતુ, રાત્રિના સમયે પતો લાગ્યો ન હતો.
ત્યારબાદ ગુરૂવારે સવારના સમયે હેતલબાનો મૃતદેહ નદીમાંથી મળી આવતા આ અંગેની જાણ વિજયસિંહ દ્વારા કરવામાં આવતાં પીએસઆઇ ડી.એસ.વાઢેર તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.