સમગ્ર હાલાર પંથકમાં કડકડતી ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી જતાં આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો હતો. ઠંડા પવનને કારણે વાતાવરણમાં કોલ્ડવેવથી જનજીવન પ્રભાવિત થયું છે. લોકો ગરમ કપડાંમાં ઢબુરાઇ ગયા હતાં. હજૂ આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની મધ્યમાં જ તાપમાનનો પારો સિંગલ ડિઝીટ તરફ સરકવા લાગ્યો છે.
હવામાન વિભાગ દ્વારા હજૂ આગામી દિવસોમાં રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ નિર્માણ પામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 16 ડિસેમ્બર, 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર એણ ત્રણ દિવસ સુધી થથરી જવાય એવી હાડ થીજાવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 3 ડીગ્રી સુધી ઘટવાની આગાહી વ્યક્ત કરતાં હજુ પણ ઠંડીનું જોર વધશે.
જામનગરમાં 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી ગગડયો છે. જામનગર કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યાનુસાર લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું છે. ઉત્તરના પવનો ફૂંકાવાનું શરુ થતાં જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળાએ અસલી મિજાજ બતાવવાનું શરુ કર્યું છે. ત્યારે આજે જામનગર શહેરમાં સિઝનનું સૌથી નીચુ એટલે કે, 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે.