કલ્યાણપુર તાબેના હર્ષદ બંદર ખાતે દરિયાકિનારે હોડીને ધક્કો મારવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ એક યુવાનને લાકડાનો ધોકો ફટકારી દેતા આ ઘા તેના માટે જીવલેણ બન્યો હતો અને યુવાનનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે આવેલા હર્ષદના દરિયા કિનારા વિસ્તારમાં રહેતા અસગરભાઈ અબ્બાસભાઈ પટેલીયા નામના 30 વર્ષના યુવાન તથા તેમના ભાઈ સદ્દામભાઈ અબ્બાસભાઈ પટેલીયાને આ જ વિસ્તારમાં રહેતા અસગર જુસબ પટેલીયા નામના શખ્સે હોડીને ધક્કો મારવાનું કહેતા બંને ભાઈઓએ ના પાડી દીધી હતી.
આ અંગેનો ખાર રાખી આરોપી અસગર જુસબ પટેલીયાએ ઉશ્કેરાઈને તેના હાથમાં રહેલો લાકડાનો ધોકો સદ્દામભાઈ અબ્બાસભાઈ પટેલીયાને ઝીંકી દેતા તેમને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. પોતાના ભાઈને પડી રહેલ મારથી બચાવવા જતા તેના ભાઈ અસગરભાઈ અબ્બાસભાઈ પટેલીયા વચ્ચે પડતા આરોપી અસગર જુસબે તેને પણ લાકડું મારી દીધું હતું.
લાકડાનો આ ઘા અસગર અબ્બાસભાઈ માટે જીવલેણ સાબિત થતાં તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ સદ્દામ અબ્બાસભાઈ (ઉ.વ. 30)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અસગર જુસબ પટેલીયા સામે મનુષ્ય વધની કલમ આઈ.પી.સી. 302, 323, 504 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.