વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બેન્ક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આજનો દિવસ દેશ માટે બેંકિંગ ક્ષેત્ર માટે અને દેશના કરોડો બેંક ખાતાધારકો માટે મહત્વપૂર્ણ છે. દાયકાઓથી ચાલી આવતી એક મોટી સમસ્યાને કેવી રીતે હલ કરવામાં આવી છે, આજનો દિવસ તેનો સાક્ષી બની રહ્યો છે. આ દરમિયાન મોદીએ કહ્યું કે એવા ખાતાધારકો જેમના રૂપિયા બેન્કોમાં ફસાયા હતા તેમને કુલ 1300 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. કાર્યક્રમમાં મોદીએ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) એક્ટ હેઠળની બેન્કમાં જમા પર મળનારી 5 લાખની ગેરંટી વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા રાજ્ય મંત્રી અને RBI ગવર્નર પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વર્ષોથી ચાલતી સમસ્યાનુ મોટુ સમાધાન થયુ છે અને તેમાં ડિપોઝિટર ફર્સ્ટના વિચારને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધારે ડિપોઝિટરના એકાઉન્ટસમાં વર્ષોથી ફસાયેલા 1300 કરોડ રુપિયા કરતા વધારે રકમ જમા થઈ છે.હવે કોઈની ખોટી ટેવથી બેન્ક ડુબશે પણ ડિપોઝિટરના પૈસા નહીં ડુબે અને લોકોનો વિશ્વાસ વદશે.એક સમય હતો જ્યારે બેન્ક સંકટમાં મુકાતી હતી ત્યારે પોતાના જ પૈસા મેળવવા માટે લોકોને પરેશાન થતી હતી. પહેલા બેન્ક ડુબી જતી હતી તો ડિપોઝિટરની જમા રકમમાંથી ઓછામાં ઓછા એક લાખ રુપિયા તો પાછા આવવાની ગેરંટી રહેતી હતી.હવે લોકોને પાંચ લાખ રુપિયા સુધીની રકમ પાછી મળે છે.આમ ડિપોઝિટરની પાંચ લાખ રુપિયા સુધીની ડિપોઝિટનો ઈન્સ્યોરન્સ છે.
તેમણે કહ્યુ હતુ કે, પાંચ લાખ રુપિયા સુધીની ડિપોઝીટના ઈન્સ્યોરન્સના કારણે હવે થાપણદારોના 76 લાખ કરોડ રુપિયા ઈન્સ્યોર્ડ છે અને આવુ તો વિકસિત દેશોમાં પણ થતુ નથી.કાયદામાં વધુ એક ફેરફાર એ કરાયો છે કે, બેંક ડૂબી જાય તો પણ 3 મહિનામાં ડિપોઝિટરને તેના પૈસા પાછા આપવા પડશે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જન ધન યોજનામાં પણ સૌથી વધારે ખાતા મહિલાઓના છે.આજે 80 ટકા મહિલાઓ પાસે પોતાના એકાઉન્ટ છે.લોન પાછી આપવામાં પણ મહિલાઓનો ટ્રેક રેકોર્ડ પ્રશંસનીય છે.દેશની સમૃધ્ધિમાં બેન્કોનો મોટો રોલ હોય છે.બેન્કો બચાવવી હશે તો ડિપોઝિટરને બચાવવા પડશે અને તેમને સુરક્ષા આપી પડશે.