વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે મોડી રાતે કેટલાક સમય માટે હેક થયું હતું. તેમના એકાઉન્ટમાંથી બિટકોઇનને લીગલ કરવાનું ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં એક લિન્ક પણ શેર કરવામાં આવી હતી. જેના પર લોકોને બિટકોઇન ક્લેમ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
આ ટ્વીટ જોતા જ કેટલાક લોકોએ પ્રધાનમંત્રીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાનો અંદાજો લગાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી જાણકારી આપવામાં આવી હતી કે, PMનું એકાઉન્ટ થોડા સમય માટે હેક થઈ ગયું હતું. PMOએ જણાવ્યું છે કે, ‘આ દરમિયાન કેટલીક ટ્વીટ કરવામાં આવી હતી તેને ઇગ્નોર કરો’.
The Twitter handle of PM @narendramodi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured.
In the brief period that the account was compromised, any Tweet shared must be ignored.
— PMO India (@PMOIndia) December 11, 2021
એકાઉન્ટ કોણે હેક કર્યું? તેની તપાસ કરવા મામલે સરકાર લેટેસ્ટ ટેકનૉલોજીનો ઉપયોગ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ @narendramodi મોડી રાતે હેક થઈ ગયું હતું. રાતે 2 વાગ્યાને 11 મિનિટે વડાપ્રધાનના એકાઉન્ટમાંથી ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘અંતે ભારતે બિટકોઇનને કાયદેસર માન્યતા આપી છે. સરકાર 500 બિટકોઇન ખરી રહી છે અને તેને દેશના નાગરિકોમાં વહેંચશે’. આ ટ્વીટ સાથે એક સ્કેમ લિન્ક પણ શેર કરવામાં આવી હતી. બે મિનિટ પછી આ ટ્વીટ ડિલિટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરી 2 વાગ્યાને 14 મિનિટે આવું જ ટ્વીટ કરવામાં આવ્યું હતું.
થોડીવાર બાદ તે ટ્વિટને પણ ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્ક્રીનશૉટ વાયરલ થઈ ગયો હતો. 3.18 મિનિટે પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે વડાપ્રધાન મોદીના ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. જેને હવે દૂર કરીને યોગ્ય કરવામાં આવ્યું છે. આને આ મામલે ટ્વીટરને જાણ કરવામાં આવી છે.