વર્ષ 1971માં પાકિસ્તાન સામે થયેલ યુધ્ધમાં જામનગરના ખવાસ જ્ઞાતિના વિર હરિલાલ મેઘજીભાઇ મકવાણા શહિદ થયા હતાં. ગઇકાલે તા. 8 ડિસેમ્બરના રોજ વિર હરિલાલ મકવાણાના પરિવારજનો તેમજ જ્ઞાતિજનો દ્વારા સુભાષ શાક માર્કેટ પાસે આવેલ ગિરધારીના મકાન પાસે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વતન પે જો ફીદા હોગા અમર વો નૌજવા હોગા ભારતભૂમિ માટે જે કોઇ પોતાની જાતનું બલિદાન આપે અને શહિદી વહોરી લે એ જવાન એ વ્યક્તિ અમર થઇ જાય છે અને પોતાના કુટુંબ, ગામ, રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ બની જાય છે.
આવું જ ગૌરવ ખવાસ જ્ઞાતિને 1971ના ડિસેમ્બર માસમાં પ્રાપ્ત થયું હતું અને એટલે વિર હરિલાલ મેઘજીભાઇ મકવાણા જ્ઞાતિના પનોતા પુત્ર ભારત માતાની રક્ષા કાજે 1971ના ભારત-પાકિસ્તાન યુધ્ધના સમયે શહિદ થયા હતાં.
1971માં ભારત-પાક. યુધ્ધને 50 વર્ષ પૂર્ણ થયા તે બદલ દેશના નાગરિકો શહિદ થયેલ અમર જવાનોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપે તે યોગ્ય અને સન્માનિય જ છે.
વિર હરિલાલ તે સમયે યુધ્ધ જહાજ આઇએનએસ ખુકરી પર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા સાથે પોતાની ફરજ બજાવી રહ્યાં હતાં અને થોડા સમય માટે રજા મળતા માદરે વતન જામનગર આવ્યા. આ દરમિયાન રેડિયો પર અને વર્તમાનપત્રો દ્વારા જાણવા મળ્યું કે, ભારત-પાકિસ્તાન સાથે યુધ્ધ જાહેર થયું છે. તે જાણી એ દેશપ્રેમી હરિલાલ મકવાણા પોતાની ફરજ બજાવવા મો જનતા ટ્રેન દ્વારા મુંબઇ પહોંચી પોતાની ફરજ પર હાજર થઇ ગયા.
ફરજ દરમિયાન દિવથી થોડા નોટીકલ માઇલ પર પાક.ની સબમરીન આઇએનએસ હંગોર કે જેના કેપ્ટન તસનીમ એહમદ હતાં. તેના દ્વારા આઇએનએસ ખુકરી પર હુમલો કરવામાં આવ્યો અને 9 ડિસેમ્બર 1971ના રોજ આએનએસ ખુકરી પોતાના 192 યુધ્ધ સૈનિકો સાથે જળસમાધી લઇ લીધી અને ભારતમાતાની રક્ષા કરતાં આએનએસ ખુકરીના 192 યુધ્ધ સૈનિકો સહાદતને વર્યા જેમાં વિર હરિલાલ મકવાણાનો પણ સમાવેશ હતો.
તેઓ જ્યારે પોતાની ફરજ પર જવા ટ્રેનમાં બેઠા હતાં ત્યારે સમગ્ર પરિવાર બહોળી સંખ્યામાં તેમને શુભેચ્છા આપવા રેલવે સ્ટેશને હાજર રહેલ જાણે કુદરતનો સંકેત હોય તેમ બધાએ તેને આખરી વિદાય આપતા હોય તેવો માહોલ તે સમયે સર્જાયો હતો.
હાલમાં પપણ દિવમાં આએનએસ ખુકરીનું સ્મારક બનાવેલ છે અને તેમાં શહિદ થયેલા વિર જવાનોના નામ ગ્રેનાઇટની તક્તિ પર કોતરવામાં આવેલ છે. જેમાં 14માં ક્રમ ઉપર વિર હરિલાલ મકવાણાનું નામ છે.
આ તકે સર્વે જ્ઞાતિજનો વતી વિર હરિલાલ મકવાણાને સેલ્યુટ સાથે ભાવભરી શ્રધ્ધાંજલિ આપી હતી.