Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયા નજીક મધરાત્રે વિદેશી દારૂની થતી હેરાફેરીમાં ત્રણ શખ્સો ઝબ્બે

ખંભાળિયા નજીક મધરાત્રે વિદેશી દારૂની થતી હેરાફેરીમાં ત્રણ શખ્સો ઝબ્બે

ખંભાળિયા- ભાણવડ ધોરીમાર્ગ પર મોડી રાત્રીના સમયે એક મોટરકારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. જેમાં પોલીસે કુલ રૂા. 2.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં દારૂના સપ્લાયરની શોધખોળ આદરવામાં આવી છે.

- Advertisement -

આ પ્રકરણની વિગત મુજબ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોકકસ બાતમીના આધારે ખંભાળિયાથી ભાણવડ તરફ જતાં ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર મોટા લલીયા ગામ પાસેથી રાત્રીના આશરે એકાદ વાગ્યાના સમયે પસાર થઈ રહેલી જીજે-10-બીઆર-2416ની એક સ્વિફ્ટ મોટરકારને પોલીસે અટકાવી હતી. પોલીસે કાર અટકાવતા તેમાં રહેલા ત્રણ શખ્સોએ પ્રારંભમાં તો નાસી છૂટવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે ત્રણેય શખ્સોને દરવાજા પાસે જ રોકી લીધા હતા. આ મોટરકારમાં પોલીસે ચેકિંગ કરતા કારની સીટ નીચે પ્લાસ્ટિકના બાચકામાં છુપાવીને રાખવામાં આવેલી મેકડોવેલ નંબર વન કંપનીની વિદેશી દારૂની બાર બોટલ મળી આવી હતી.
આથી પોલીસ દ્વારા આ સ્થળે આરોપીઓની પૂછતાછમાં ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા નાગાજણ ઉર્ફે નાગડો પેથા જામ નામના 43 વર્ષના શખ્સે દ્વારા દારૂની ઉપરોક્ત બાટલીઓ તેણે બેહ ગામના વેજાણંદ કરસન માયાણી નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે ખરીદ કર્યાનું કબૂલ્યું હતું. આ પ્રકરણમાં કારમાં જઈ રહેલા અન્ય બે શખ્સો લલીયા ગામના મશરી કરસન ચાવડા (ઉ.વ. 39) તથા લાલપરડા ગામના ગોગન જગા ભારવાડીયા નામના 36 વર્ષના શખ્સને પણ પોલીસે કારમાંથી દબોચી લીધા હતા.

આમ, પોલીસે અઢી લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર, રૂા.10 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન તથા રૂા. 4,800 હજારની કિંમતના વિદેશી દારૂ મળી કુલ રૂા. 2,64,800 ના મુદ્દામાલ સાથે નાગાજણ ઉર્ફે નાગડો પેથા જામ, ગોગન જગા ભારવાડીયા અને મસરી કરશન ચાવડાની અટકાયત કરી હતી. જ્યારે બેહ ગામના વેજાણંદ કરશન માયાણીને હાલ ફરાર ગણી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular