પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની અગાઉ ગુજરાત સરકારે ખાતરી આપી
હતી. એમ છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થશે અને કોઈ નક્કર નિર્ણય લેવાય એવી શક્યતા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે સાંજે 6 વાગ્યે બેઠક યોજાશે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં હાર્દિક પટેલ સહિત કોઈ જ રાજકીય નેતાઓ હાજર નહીં રહે, માત્ર આજે બિનરાજકીય લોકો હાજર રહેશે, જેઓ પાટીદાર અનામત આંદોલનના આગેવાનો હતા. આ બેઠકમાં લાંબા સમયથી બાકી રહી ગયેલા પાટીદાર આંદોલનના 197 કેસ પાછા ખેંચવા અંગે ચર્ચા કરાશે.
આ બેઠકમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતા સંસ્થાન, ઊંઝાના પ્રતિનિધિને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત PAASના નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના નેતા હાજર રહેશે. આ ઉપરાંત અન્ય પાટીદાર આગેવાનો પણ હાજર રહેશે. તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી. આ પહેલાં ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠકમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં નિર્ણય કરાયો હતો કે આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે. કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવા માગ કરી હતી. પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતા પર ખટલા ચાલી રહ્યા છે. આવા 400 બનાવો અંગે ગુના હતા. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. તમે આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો પરના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં આવે.