દિલ્હી એનસીઆરમાં એર પોલ્યૂશનને લઇને સુપ્રીમ કોર્ટે બુધવારે એક વખત ફરી સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એક વખત ફરી સરકારને સવાલ કર્યો છે કે તેણે પ્રદૂષણ અટકાવવા માટે શું કામગીરી કરી છે તેનો જવાબ આપો.
એટલુ જ નહીં આકરૂં નિવેદન કરતા સુપ્રીમે કહ્યું કે સમસ્યા એ છે કે લોકોની બહુ જ અપેક્ષા છે કે કોર્ટ કામ કરી રહી છે અને સરકાર કોઇ કામ નથી કરી રહી. કેટલાક અખબારોના અહેવાલો છે કે કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા બાદ પ્રદૂષણમાં 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમને ખ્યાલ નથી કે આ કેટલુ સાચુ છે.
કોર્ટે કહ્યું કે મજૂરોએ અમારો સંપર્ક કર્યો છે અને માગ કરી છે કે ક્ધસ્ટ્રક્શન કામ શરૂ થવું જોઇએ. ખેડૂતો પણ માગ કરી શકે છે કે તેમને પરાળી સળગાવવાની અનુમતી આપવામાં આવે. હાલ પ્રદૂષણ ઓછુ થયુ હશે પણ અમે આ મામલાને બંધ નથી કરવાના. અમે આ મુદ્દે સુનાવણી જારી રાખીશું. સોમવારે આગામી સુનાવણીનો નિર્ણય કોર્ટ કરશે.
આ દરમિયાન કોર્ટે એર ક્વોલિટી ઇંડેક્સ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે હાલ 381 છે અને તમે જે આંકડો આપ્યો તે 290નો છે. આ સાચો ન હોઇ શકે. અમને નથી લાગી રહ્યું કે કોઇ મોટો ફેરફાર થયો હોય.
હાલ ભલે પ્રદૂષણ થોડુ ઓછુ થયું હોય પણ ફરી ગંભીર પરિસિૃથતિનું નિર્માણ થઇ શકે છે. જેને ઓછુ કરવા માટે આગામી બેથી ત્રણ દિવસમાં વધુ પગલા લેવામાં આવશે. સોમવારે હવે આ મુદ્દે કોર્ટમાં વધુ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે આગામી બેથી ત્રણ દિવસમાં મહત્વના પગલા લેવા કહ્યું છે અને જો પ્રદૂષણમાં વધુ ઘટાડો થાય તો જે પ્રતિબંધો લાગુ કરાયા છે તેને હટાવવાની પણ છુટ આપી છે. પ્રદૂષણ ફેલાઇ ગયા પછી તેને અટકાવવા પગલાં લેવાંની સરખામણીએ પ્રદૂષણ ન ફેલાઇ તે માટે અનુમાનો અને આગાહીઓ તથા ગણતરીઓના અનુસંધાને અગાઉથી સરકારોએ જાગી જવું જોઇએ એમ પણ સુપ્રિમ કોર્ટ દ્વારા કહેવાયું છે.