જામનગર તથા દ્વારકા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રવીપાકની વાવણીના સમયે રાસાયણિક ખાતરોની અછતનો મુદ્દો સેન્ટર સ્ટેજમાં આવ્યો છે. કારણ કે, હજારો ખેડુતો ખાતરોના ઉંચા ભાવો આપવા મજબૂર બની રહ્યા હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ ખાતરોની ખાનગી કંપનીઓ લાવ-લાવની સિઝનમાં ચિકકાર નાણાં કમાઇ રહી છે.
સરકાર દ્વારા જે-તે સમયે એવું જાહેર કરવામાં આવેલું કે ખાતરોમાં ભાવ વધારો લાદવામાં આવ્યો નથી. બીજી બાજુ ખાતરોની થેલીઓ માટે ખેડૂતોએ નાણાંની કોથળી ખુલી રાખવી પડે છે. આ ઉપરાંત સરકારે ખાતરો માટે અબજો રૂપિયાની સબસિડી પણ જાહેર કરી છે. આ સ્થિતિમાં ખાતરની કૃત્રિમ અછતને કારણે સરકારી કંપનીઓની આવકો વધવા ઉપરાંત ખાનગી કંપનીઓ પુષ્કળ રૂપિયો કમાઇ રહી છે.
જામનગર અને દ્વારકા જિલ્લાની વાત કરીએ તો, આ બંન્ને જિલ્લાઓમાં ખેતીવાડી અધિકારીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં નથી. જેને પરિણામે અધિકારીઓ પર પુષ્કળ વર્કલોડ છે. આ ઉપરાંત અધિકારીઓના જિલ્લા પ્રવાસો પણ અવાર-નવાર ગોઠવાતાં હોય છે. જેનાં કારણે ખાતર સહિતની બાબતો પર અધિકારીઓ ઝડપથી અને ફોકસ પધ્ધતિએ કામ કરી શકતાં નથી. આ પ્રકારની વિચિત્ર સ્થિતિને કારણે બંન્ને જિલ્લાના ખેડૂતોએ કાળા બજારમાં ખાતરની ખરીદી કરવી પડતી હોવાની સ્થિતિ જોવા મળે છે.
જામનગર જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં વિસ્તરણના મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતાં એસ.એન.ડઢાણીયાએ ‘ખબર ગુજરાત’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, હાલમાં આપણાં જિલ્લામાં 2000 મેટ્રીક ટન જેટલો ખાતરનો સ્ટોક છે. જે પૈકી 1200 ટન જેટલું ખાતર ફોસ્ફેટ આધારીત છે. આ ઉપરાંત જીએસએફસી સહિતની કંપનીઓમાંથી બાયરોડ ખાતર મંગાવવાનું ચાલું છે. શકયતા એવી છે કે, આ સપ્તાહના અંત સુધીમાં અથવા જેટલું બને તેટલું ઝડપથી ઇફકો કંપની ખાતેથી માલગાડી મારફત ખાતરની રેક આવવાની છે. રેક આવી જશે એટલે ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં ખાતરની ઉપલબ્ધિ થઇ શકશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે આપણાં જિલ્લામાં અંદાજે 2900 મેટ્રીક ટન જેટલાં ખાતરનું ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું છે અને દૈનિક ધોરણે ખેડૂતોને ખાતર વિતરણની કામગીરી ચાલુ છે.