રાજયમાં 108 એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરતી કંપની હવે એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા જઇ રહી છે.આ સેવા માટે હાલના તબકકે કંપની રાજય સરકારના જૂના એકક્રાફટનો એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરશે. આ અંગે આગામી વાયબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સની સેવા માટે ઉપયોગ કરનારે તેનો ઓપરેટીંગ ચાર્જ આપવાનો રહેશે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ વાનની સુવિધા વધુ આધુનિક બનવા જઇ રહી છે. એકાદ સપ્તાહમાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા એક આધુનિક મોબાઇલ એપ લોન્ચ થશે. આકસ્મિક સારવારની જરૂર પડે તો 108 એમ્બ્યુલન્સ વાન હવે મોબાઇલ ફોનની સ્ક્રિન પર જોવા મળશે.
એટલું જ નહીં, એમ્બ્યુલન્સ વાન કેટલી વારમાં ઘટના સ્થળે પહોંચશે તે મોબાઇલ ફોનની સ્ક્રીન પરથી જોઇ શકાશે. કોરોનાની બીજી લહેરમાં એમ્બ્યુલન્સની એટલી અછત સર્જાઇ હતી કે, દર્દીઓને લોકોએ ખાનગી વાહનોમાં હોસ્પિટલ લઇ જવા પડયા હતાં. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સને જાણ કરાયા હોવા છતાંય વેઇટીંગ લિસ્ટ એટલું લાંબુ હતું કે,બે બે દિવસ સુધી કોઇ જવાબ મળી શક્યો ન હતો. આ સંજોગોમાં કેટલાંય દર્દીઓને હોસ્પિટલ પહોંચતા ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ પરિસિૃથતીને ધ્યાનમાં રાખીને એક આધુનિક મોબાઇલ એપ તૈયાર કરાઇ છે. અધિકારીક સૂત્રોના મતે, આ આધુનિક મોબાઇલ એપની વિશેષતા એ છેકે, અકસ્માત થયો હોય કે, કોઇ બિમારીમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે 108 એમ્બ્યુલન્સની જરૂર પડે તો, એપના માધ્યમથી મોબાઇલ ફોનની સ્ક્રીન પર 108 એમ્બ્યુલન્સ વાન કયાં છે તેનુ લોકેશન ખબર પડી જશે. એટલું જ નહીં, નામ-નોંધણી કરાવ્યા બાદ કેટલાં સમયમાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચશે તે પણ જાણી શકાશે. મોબાઇલ ફોન પર એમ્બ્યુલન્સ કયાં પહોંચી તે લાઇવ જોઇ શકાશે.
દર્દીને એમ્બ્યુલન્સમાં લઇ જવાતી વખતે નજીકના અંતરમાં કયાં હોસ્પિટલ છે તેની પણ માહિતી આ એપથી મળી જશે. સાથે સાથે જો લોહીની જરૂર પડે તો ઇ-રક્ત કોષ એપ સાથે જોડાણ કરાયુ હોવાથી કઇ બ્લડબેંકમાં કયા કયા ગુ્રપની લોહી ઉપલબ્ધ છે તે પણ એમ્બ્યુલન્સમાં બેઠા બેઠા ખબર પડી જશે. 108 દ્વારા એકાદ સપ્તાહમાં જ આ આધુનિક મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં અત્યારે 800 એમ્બ્યુલન્સ છે. જયારે અમદાવાદ શહેરમાં 100થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે. કોરાના કાળમાં અછત સર્જાયા બાદ એમ્બ્યુલન્સ વાનમાં વધારો કરાયો છે.