દેને કો ટુકડો ભલો, લેને કો હરિ નામના જલારામબાપાના સૂત્રોને સાર્થક કરવા અને સંત શિરોમણી પૂ. જલારામબાપાની 222મી જન્મ જયંતિની જામનગર સહિત હાલાર પંથકમાં ઉજવણી થઇ રહી છે. જામનગર નજીક હાપામાં આવેલા જલારામ મંદિરે જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખિમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર હાપા દ્વારા 25 વર્ષથી અન્નક્ષેત્રના માધ્યમથી સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. આ અન્નક્ષેત્રના 25 વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરુપે 36થી પણ વધુ સ્થળો ઉપર મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ જલારામ જયંતિ તથા જલારામ મંદિરના અન્નક્ષેત્રને 25 વર્ષ પૂર્ણ થતાં સંસ્થા દ્વારા વિશાળ રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં 36થી પણ વધુ સ્થળોએ કોવિડ ગાઇડલાઇનને અનુસરી મહાપ્રસાદ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ મંદિરે આજે સવારથી જ જલારામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં અને સંત શિરોમણી જલારામબાપાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. તેમજ જલારામ મંદિરે રાખવામાં આવેલા વિશાળ રોટલાના પણ દર્શન કર્યા હતાં. આ તકે રમેશભાઇ દત્તાણી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.