Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરGST તંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય સમગ્ર હાલાર માટે તકલીફો સર્જનારો : અન્યાય...

GST તંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય સમગ્ર હાલાર માટે તકલીફો સર્જનારો : અન્યાય થયાની પ્રસરતી લાગણી

- Advertisement -

જામનગર તથા દ્વારકા જિલ્લો નાના મોટા હજારો ઉદ્યોગો અને બહોળો વેપાર ધરાવતાં જિલ્લાઓ છે. સ્વાભાવિક રીતે જ, આ પ્રકારની સ્થિતિને કારણે આ બંન્ને જિલ્લાઓના હજારો વ્યવસાયીઓને જીએસટી તંત્રનું અવાર-નવાર કામ પડતું હોય છે. આમ છતાં, ગુજરાતના જીએસટી તંત્રએ એક એવો નિર્ણય લીધો છે, જેને પરિણામે જામનગર-દ્વારકા જિલ્લાના હજારો વ્યવસાયીઓને તકલીફો સહન કરવી પડશે. જેને કારણે આ વિશાળ વર્ગમાં અન્યાયની લાગણી જોવા મળી રહી છે.

જીએસટી તંત્રમાં જામનગર ખાતે ડેપ્યૂટી કમિશનરની કચેરી છે. આ કચેરીની ઉપર જોઇન્ટ કમિશનરની કચેરી હોય છે. અત્યારસુધી જામનગર તથા દ્વારકા જિલ્લાનો સમાવેશ રાજકોટ જોઇન્ટ કમિશનર કચેરી હેઠળ હતો. હવે, જીએસટી તંત્રએ જામનગર તથા દ્વારકા જિલ્લાનો સમાવેશ જુનાગઢમાં નવી શરૂ કરવામાં આવેલી જોઇન્ટ કમિશનર કચેરી હેઠળ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જામનગરમાં જોઇન્ટ કમિશનર કચેરી શરૂ કરવા અંગે બે વર્ષથી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી રહી છે. આમ છતાં ઉચ્ચકક્ષાએથી આ અંગે જામનગરની વ્યાજબી માંગણીને ધ્યાનમાં લેવામાં આવી નથી અને રાજકોટના બદલે જુનાગઢની જોઇન્ટ કમિશનર કચેરી હેઠળ જામનગર તથા દ્વારકા જિલ્લાનો સમાવેશ થતાં સમગ્ર હાલારને બંન્નેબાજુથી માર પડયો છે. જોઇન્ટ કમિશનરની કચેરી ઘર આંગણે મળવાને બદલે હવે હાલારના વ્યવસાયીઓએ છેક જુનાગઢ પોતાના કામકાજો માટે જવું પડશે. જુનાગઢનો પ્રવાસ જામનગરથી સાડાત્રણ કલાકનો છે અને દ્વારકા જિલ્લાના વ્યવસાયીઓને તો જુનાગઢ જવા વધુ તકલીફો પડશે. તંત્રનું માનવું એવું છે કે, ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ કરવા માટે જુનાગઢમાં આ કચેરી શરૂ કરવામાં આવી છે. પરંતું તંત્રનો આ તર્ક પણ વ્યાજબી નથી. કેમ કે, ગીર સોમનાથની સરખામણીએ જામનગર તથા દ્વારકા જિલ્લો વ્યવસાયીઓની મોટી સંખ્યા ધરાવે છે અને જોઇન્ટ કમિશનર કચેરી શરૂ કરવા અંગેની જામનગરની માંગણી લાંબા સમયની છે.આ મુદ્દે તંત્રએ ફરીથી વિચારવાની આવશ્યકતા છે, એવું હાલારના વ્યવસાયીઓ માની રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટીના કુલ કેસો પૈકી 10 ટકાથી વધુ કેસો એવા હોય છે, જેમાં કરદાતાઓએ અપીલમાં જવું પડતું હોય છે. આ ઉપરાંત વહિવટી દ્રષ્ટિએ પણ હાલારના કરદાતાઓને જુનાગઢની જોઇન્ટ કમિશનર કચેરી દૂર પડશે. આ ઉપરાંત જોઇન્ટ કમિશનર કચેરી હેઠળ એન્ફોર્સમેન્ટ તથા ચેક પોસ્ટ સહિતની કામગીરીઓ થતી હોય છે. અત્રે એ પણ નોંધનીય છે કે, કરદાતાઓની મોટી સંખ્યાને કારણે સમગ્ર ગુજરાતમાં જામનગર તથા દ્વારકા જિલ્લો રાજય અને કેન્દ્ર સરકારને રેવન્યુ એટલે કે, આવક કરાવી આપવામાં ત્રીજા અથવા ચોથા ક્રમે રહે છે. જામનગરની ફેવરમાં આટલા બધાં પરિબળો હોવા છતાં તંત્રએ જીએસટી જોઇન્ટ કમિશનર કચેરી જામનગરને બદલે જુનાગઢ શરૂ કરતાં અને હાલારનો સમાવેશ રાજકોટને બદલે જુનાગઢ કચેરી હેઠળ લઇ જતાં સમગ્ર હાલારના કરદાતાઓને વધુ સમય, શકિત અને નાણાંનો વ્યય કરવો પડશે અને વધુ હાડમારીઓ સહન કરવી પડશે.

‘ખબર ગુજરાત’ દ્વારા આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી અક્ષત વ્યાસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ આ મુદ્દા અંગે જણાવ્યું છે કે, જામનગરમાં જોઇન્ટ કમિશનર કચેરી શરૂ કરવા અંગે ચેમ્બરની માંગણી જુની હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. આ મુદ્દે અગાઉ પણ સાંસદ તથા રાજયમંત્રીઓ સમક્ષ ચેમ્બર દ્વારા લેખિત અને વિસ્તૃત રજુઆતો કરવામાં આવી હતી. આમ છતાં તંત્ર દ્વારા જે નિર્ણય લેવાયો છે તેના કારણે સમગ્ર હાલારના કરદાતાઓની પરેશાનીઓ વધશે અને કરદાતાઓ વતી ચેમ્બર અન્યાયની લાગણી અનુભવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular