કાલાવડમાં ભાણેજે પ્રેમલગ્ન કરી લેતા મામાએ ચાર શખ્સો સાથે મળીને પ્રેમીના પિતા અને ભાઈ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી પોતાની ભાણેજને પરત સોંપવાનું કહી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા યુવકના પિતાએ ચાર શખ્સો વિરુધ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના બેરાજા ભલસાણ ગામે વાડી ધરાવતા અને બાંગા ગામે રહેતા પરબતભાઈ ઉર્ફે પબો લાખાભાઈ વાઘેલા (ઉ.વ.65) નામના વૃદ્ધના દીકરા પ્રવિણે ભાવનાબેન નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેનો ખાર રાખી બેરાજા ગામે રહેતા યુવતીના મામા લાખા આણંદ સોલંકી, કારા આણંદ સોલંકીએ ગત તા.1-10ના રોજ પરબતભાઈના મોટા દીકરા ભગવાનજી ઉર્ફે ભગો વાડીએ જતો હતો ત્યારે રોકીને લોખંડના પાઈપ અને લાકડી વડે માર માર્યો હતો. બાદમાં ગત તા.3-11ના બપોરના સમયે બેરાજા ગામે રહેતા લાખા આણદ સોલંકી, કારા આણદ સોલંકી તથા સરાપાદર ગામના વાલા કરશન ભીત અને અજાણ્યા શખસે એકસંપ કરી પરબતભાઈની વાડીમાં પ્રવેશ કરી તેમના પર લોખંડના પાઈપ વડે હુમલો કરતા તેમના ડાબા પગમાં ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બાદમાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ચારે શખ્સો વિરુધ હત્યાની કોશિશનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.