Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાં સરકારી જમીન પર થયેલ ગેરકાયદે દબાણનો સર્વે કરવા જનરલ બોર્ડમાં ઠરાવ

ખંભાળિયામાં સરકારી જમીન પર થયેલ ગેરકાયદે દબાણનો સર્વે કરવા જનરલ બોર્ડમાં ઠરાવ

શનિવારે યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભામાં બાવન ઠરાવ સર્વાંનુમત્તે મંજૂર

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા શનિવારે સાંજે નગરપાલિકાના સભાગૃહ ખાતે યોજાઇ હતી. પાલિકા પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ જનરલ બોર્ડની બેઠકમાં એજન્ડાના તમામ બાવન ઠરાવ સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા.

- Advertisement -

ખંભાળિયા મ્યુનિસિપલ ગાર્ડનમાં આવેલા પાલિકાના સભાગૃહ ખાતે શનિવારે સાંજે યોજવામાં આવેલી જનરલ બોર્ડની બેઠકમાં 28 પૈકી 25 સભ્યો હાજર રહ્યા હતા. ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિન્હાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ સામાન્ય સભામાં એજન્ડામાં દર્શાવવામાં આવેલા તમામ મુદ્દાઓની ચર્ચા-વિચારણા બાદ આ ઠરાવને વિરોધ વગર મંજૂર રાખવામાં આવ્યા હતા. જેમાં મહત્વનો ગણી શકાય તે ઠરાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલા આસામીઓ અંગે સર્વે કરવા તથા નગરપાલિકા લેવલે આ અંગે નિયમ મુજબની કાર્યવાહી કરી, ઉચ્ચ કક્ષાએ જરૂરી રિપોર્ટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ 2016 થી 2018 વચ્ચે પાલિકામાં ઈપીએફ ના કેસ અન્વયે નગરપાલિકાને થયેલી રૂ. 18 લાખ જેટલી પેનલ્ટી ચુકવવાનું આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ ખંભાળિયામાં નવનિર્મિત ટાઉનહોલને શરતોને આધીન ભાડે આપવા, મહારાણા પ્રતાપની પ્રતિમાને ઈલેક્ટ્રીક લાઈટિંગથી સુશોભિત કરવા, ઘી નદીની પાજને તોડી પાડી અને પુન: રિપેર કરવા, શહેરમાં રસ્તાઓની મરામત કરવા, ગેરકાયદેસર રહેલા અનેક પાણીના કનેક્શનને રેગ્યુલાઇઝ કરવા અને તેના ચાર્જ નક્કી કરવાનો મુદ્દો આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કચેરી માટે કોમ્પ્યુટર, કબાટ, ખુરશી વિગેરેની ખરીદી કરવા, હંગામી કર્મચારીઓને ફિક્સમાં રાખવા તથા કચેરીમાં ખાલી રહેલી જગ્યાઓ પર ભરતી કરવા, નગરપાલિકા વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉપર કરવેરો ઉઘરાવવા, ભૂગર્ભ ગટરના કનેક્શન જોડવા, નલ સે જલ યોજના અંતર્ગત કામો કરવા તેમજ પાલિકા વિસ્તારમાં વાઇ-ફાઇની સુવિધા આપવાનું પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. શહેરમાં ફાયર બિગ્રેડના સ્ટાફ માટે જ્યાં સુધી ગ્રાન્ટ ન આવે ત્યાં સુધી નગરપાલિકામાંથી પગાર ચૂકવવાનો ઠરાવ પણ આ બેઠકમાં પ્રમુખ સ્થાનેથી લેવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલી આ જનરલ બોર્ડમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ગોકાણી, પી.એમ. ગઢવી વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગનું સમગ્ર સંચાલન કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસે કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular