જામનગરમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસો સામે આવ્યા નથી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જામનગરવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આજે 30 ઓક્ટોબર શનિવારના રોજ જામનગર શહેરમાં કોરોનાના 5કેસ નોંધાયા છે. શહેરીજનોએ સાવચેત રહેવાની જરૂર છે. કારણકે આજના આંકડા ચિંતાજનક છે.
જામનગર શહેરમાં આજે કોરોનાના 5કેસ નોંધાતા ફફડાટ મચી જવા પામી છે. જામનગર ગ્રામ્યમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જામનગર શહેરમાં અત્યાર સુધી 5,52,855 લોકોએ કોરોનાના ટેસ્ટ કરાવ્યા છે. જામનગરમાં આજે 798 લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે જેમાંથી 5લોકો પોઝીટીવ આવ્યા છે. કોવિડ ઉપરાંત ડેન્ગ્યુ અને મલેરિયા તેમજ ચીકનગુનિયાના કેસ પણ વધી રહ્યા છે. જીજી હોસ્પિટલમાં રોજેની 1000થી વધુ ઓપીડી આવે છે. દિવાળીના પરિણામે જામનગરની બજારોમાં ઘણી ભીડ જોવા મળી રહી છે. અને લોકો કોરોનાને ભૂલ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે કારણકે લોકોની ભીડ સમસ્યા સર્જીને કોરોનાની ત્રીજી લહેરને નોતરી શકે છે.